/
કૃષિક્ષેત્રને પૂરતી વીજ નહીં આપી શકનાર ઊર્જામંત્રીએ કૃષિબિલના ફાયદા ગણાવ્યા!

વડોદરા : કેન્દ્રની એનડીએ સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ બીલો ખેડૂતોના હિતમાં હોવાનો દાવો કરવાને માટે ભાજપ દ્વારા દેશભરમાં ૭૦૦ જેટલી પ્રેસવાર્તાઓ યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વડોદરા ખાતે રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવેલ પ્રેસવાર્તામાં ગુજરાતના ખેડૂતો કેન્દ્રના કૃષિ કાયદાને સમર્થન આપતા હોવાનો ઊર્જાવંત દાવો ઉર્જામંત્રીએ કર્યો હતો. તેઓએ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના આવ્યા પછીથી ભાજપની સરકારે જેટલા ઉંચા ભાવે ખરીદી કરી છે. એટલા ઉંચા ભાવે અગાઉની કોઈ સરકારે ખરીદી કરી નથી. એવો દાવો કરતા ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ અનિવાર્ય હોવાનો મત વ્યક્ત કર્યો હતો. તેઓએ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહયા હોવાનો આક્ષેપ કર્યો હતો. એની સાથોસાથ કૃષિ બીલમાં કેન્દ્ર સરકારે કરેલા ઐતિહાસિક સુધારાઓ ખેડૂતોના આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે એમ જણાવ્યું હતું. કેન્દ્રએ છેલ્લા છ વર્ષમાં ખેડૂતોના હિતમાં જુદા જુદા પાકોની એમએસપીમાં અંદાજિત ૪૦ % જેટલો વધારો કર્યો છે. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિજય રૂપાણીના નેતૃત્વની સરકારમાં ૧૫ હજાર કરોડ કરતા વધુની રકમના પાકોની ખેડૂતો પાસેથી ખરીદી કરાઈ છે. તેઓએ કોંગ્રેસ કરતા બમણી રકમની ભાજપા સરકારે ખરીદી કર્યાનો દાવો કર્યો છે.  

ગુજરાતના મંત્રી રાજ્યના ખેડૂતોની અટકાયત-નજરબંધીથી અજાણ!

ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે એવો દાવો કર્યો હતો કે, ગુજરાતના તમામ ખેડૂતો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કરેલા કૃષિ બીલોની તરફેણમાં છે. ત્યારે તેઓના આ દાવા સામે ગુજરાતના ૪૫૦ જેટલા ખેડૂત આગેવાનોને દિલ્હી જતા રોકવામાં આવ્યા હતા. તેઓને નજરકેદ કરવામાં આવ્યા હતા અથવાતો તેઓની અટકાયત કરવામાં આવી હતી. એવો પ્રશ્ન પૂછતા તેઓએ પોતે આ બાબતથી તદ્દન અજાણ હોવાનું જણાવ્યું હતું. કૃષિ બિલ અંગે પ્રેસ વાર્તા કરવા આવેલા પ્રધાન એક તરફ રાજ્યના ખેડૂતો પોતાની સાથે હોવાનો દાવો કરી રહ્યા હતા. બીજી તરફ એમની વિરોધમાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો હોવાની વાતનું કડવું સત્ય છુપાવી રહ્યા હતા. જેને લઈને તેઓની આ અજ્ઞાનતા હતી કે પૂર્વ લિખિત-નિર્ધારિત સ્ક્રીપટથી વધુ ન બોલવાની સુચનાને લઈને જુઠ્ઠું બોલ્યા હતા એ પ્રશ્નનો ઉત્તર પક્ષના કોઈપણ સભ્ય પણ આપી શક્યા નહોતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution