સામાન્ય રીતે ગુજરાતી વાનગીઓમાં એટલી વિવિધતા છે કે તેના નામથી જ મોઢામાં પાણી આવી જાય. દહીંવડા એ એવી વાનગી છે જે નાના મોટા સૌને પસંદ હોય છે. આજે આપણે વ્રતમાં ખવાય તેવા મોરૈયાના દહીંવડા બનાવીશું. જેનાથી તમને થોડો ખટમીઠો અને તીખો ટેસ્ટ પણ મળશે અને પેટ પણ ભરાશે. તો નોંધી લો મોરૈયાના દહીંવડાની ફરાળી રેસિપી અને કરી લો તૈયારી.

સામગ્રી :

 200 ગ્રામ મોરૈયો ,6 ચમચી શિંગોડાનો લોટ , ગ્રીન ચટણી,ખજુર-આંબલીની ચટણી ,મસાલાવાળું દહીં ,મીઠું સ્વાદાનુસાર ,કોથમીર ગાર્નિશિંગ માટે 

રીત

પહેલાં તો એક થાળીમાં મોરૈયો કાઢો. તેને સાફ કરી લો. હવે એક વાસણમાં લઈ તેને બરોબર ધોઈ લો. તેને બાફવા મૂકો. હવે મોરૈયો બફાઈ જાય એટલે તેને થોડો ઠંડો પડવા દો. તેમાં શિંગોડાનો લોટ મિક્સ કરી તેને બરોબર હલાવી લો. હવે તેમાં થોડું મીઠું પણ મિક્સ કરી લો. તેને ફરીથી મિક્સ કરો અને તેના ગોળા વાળી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકો. તેમાં આ નાના નાના ગોળાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે તેને પ્લેટમાં કાઢો અને થોડા થોડા દબાવી લો. હવે તેની પર ગ્રીન ચટણી, ગળી ચટણી, મસાલા વાળું દહીં અને કોથમીર બધું ઉમેરી લો અને સર્વ કરો. નાના મોટા સૌ તેને મનથી ખાશે અને ખુશ થશે.