અમદાવાદ-

થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘમહેર જાેવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકામાં અડધાથી ૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ પંચમહાલના મોરવાહડફ તાલુકામાં ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, તાપી, ગાંધીનગર, છોટાઉદેપુર, ખેડા, અરવલ્લી, અમદાવાદ સહિતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. બીજી તરફ, હવામાન વિભાગે આગામી ૪ દિવસ માટે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, મોરબી, કચ્છ, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ, સુરત, મહેસાણા, વડોદરા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. એટલે કે ૩૧મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ૩ થી ૧૦ સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં ૩૦ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર દરમિયાન હળવોથી ભારે વરસાદ, જ્યારે અમદાવાદમાં એક અઠવાડિયા દરમિયાન ૧થી ૩ ઇંચ વરસાદ પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૪.૧ ડીગ્રી વધીને ૩૬.૪ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૧.૮ ડીગ્રી વધીને ૨૬.૬ ડીગ્રી નોંધાયું હતું, પરંતુ હાલમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને ૧થી ૩ ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. ગુજરાતમાં થતાં ૮૪૦ મિમી વરસાદની સામે માંડ ૪૨ ટકા જેટલો વરસાદ થયો છે. હવે ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે. નહીંતર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગશે. હાલની સ્થિતિએ રાજ્યના ૧૨ જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી. બીજી બાજુ ડેમોમાં પાણી ઓછું હોવાના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થવાની ભિતી છે.