દેવગઢ બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાતકુંડા ગામે પરણાવેલી અને ધાનપુર તાલુકાના દુધામલી ગામે સરકારી દવાખાનામાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતી અને પોતાની સાસરીમાંથી અપડાઉન કરતી ૨૮ વર્ષીય પરિણીત મહિલાએ પતિ તથા સાસુ સસરા દ્વારા નોકરી છોડી દેવા અવાર-નવાર દબાણ કરી તથા મારઝૂડ કરી ગુજરાતા શારીરિક અને માનસિક ત્રાસ અસહ્ય થઈ પડતાં આવા ત્રાસમાંથી છુટકારો મેળવવા દેવગઢબારિયા નગરના માનસરોવર તળાવમાં પડતું મૂકી જીવતર ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

 પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ગામે કાલીયા ફળિયામાં રહેતા ૬૦ વર્ષીય સનાભાઇ ભાવાભાઈ બારીયાની દીકરી ૨૮ વર્ષીય ભારતીબેન બારીયા ના લગ્ન તારીખ ૨૮.૪.૨૦૧૮ ના રોજ દેવગઢ બારીયા તાલુકાના સાતકુંડા ગામના વિપુલભાઈ ગણપતભાઈ રાઠવા સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા ભારતીબેન ધાનપુર તાલુકાના દુધામલી ગામે સરકારી દવાખાનામાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતી હતી અને તે પોતાની સાસરીમાંથી રોજ અપડાઉન કરતી હતી આ ભારતીબેન ને તેના પતિ વિપુલભાઈ રાઠવા સસરા ગણપતભાઇ ભાવસિંગ ભાઈ રાઠવા તથા સાસુ મધુબેન ગણપતભાઇ રાઠવા એમ ત્રણે જણા દ્વારા તું નોકરી છોડી દે અને નોકરી નહીં છોડે તો તારા બાપના ઘરે જતી રહે તેમ કહી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજરાતા તથા તેના પતિ દ્વારા અવારનવાર મારઝૂડ કરી શારીરિક ત્રાસ અપાતા ભારતીબેન ને અવાર-નવાર અપાતો ત્રાસ અસહ્ય થઈ પડતાં કંટાળી જઇ ભારતીબેન દેવગઢ બારીયા ના લગ્ન માનસરોવર(મોટા) તળાવમાં પડતું મૂકી જીવતર ટૂંકાવી લીધું હતું. જેની લાશ ગતરોજ સવારે અગિયારેક વાગ્યાના સુમારે બારીયા નગરના માનસરોવર તળાવમાંથી મળી આવી હતી. દેવગઢબારિયા પોલીસે આ સંબંધે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ મૃતક ભારતીબેનના પિતા સનાભાઇ ભાવાભાઈ બારીયાએ ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ દેવગઢબારીયા પોલીસ સ્ટેશન નોંધાવતા પોલીસે આ સંદર્ભે મૃતક ભારતીબેનના પતિ સસરા તથા સાસુ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેઓની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે.