ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત વિવિધ 10 રૂટ ઉપર શહેરી બસ સુવિધાનું આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. નાણાના અભાવે શહેરોનો વિકાસ અટકવો જોઇએ નહી, નાણાની ચિંતા કર્યા વિના શહેરો પોતાની વિકાસની યોજના બનાવે, અમારી સરકાર તમને પૂરતા નાણા આપશે. શહેરોના વિકાસ માટે ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષ 425 ટીપી સ્કીમ મંજૂરી કરી છે એટલું જ નહીં પણ હાલની સ્થિતિએ ગુજરાતમાં એકપણ ટીપી પડતર નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સેવામાં મુકાયેલી વિવિધ 10 રૂટ ઉપરની ઈગૠ બસોથી પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણની સુરક્ષાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને યાતાયતની ઉત્તમ સુવિધા મળશે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની 'અ' વર્ગની 30 નગરપાલિકાઓમાં શહેરી બસ સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં આજે નવસારી નગરપાલિકાનો સમાવેશ થયો છે. નવસારીમાં છેલ્લા 5 વર્ષમાં રૂ. 37 કરોડના વિકાસ કામો થયા છે. તેમણે કહ્યું હતું કે, 15 ઓગસ્ટે આપણે આઝદીના 75 વર્ષ એટલે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે પ્રાથમિક સુવિધાથી આગળ વધીને દેશમાંથી ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર દૂર કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નયા ભારત અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ કરીને કટિબદ્ધ બનીએ તેમ ઉમેરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવસારીના નગરજનોને શહેરી બસ સુવિધા માટે શુભેચ્છાઓ આપી હતી.