વડોદરા : શહેરના ન્યુ વીઆઈપી રોડ પર ખોડિયારનગર પાસે આવેલ બીયુપીએસના આવાસમાં જૂના ઝઘડાની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો. નટવરભાઈ મારવાડીનો પુત્ર સંજય મારવાડી, પિતા નટવરભાઈ મારવાડી અને બીજાે પુત્ર ઈશ્વર મારવાડીને ઝઘડાની અદાવતનું ઝનૂન સવાર થતાં ચારેય પિતા-પુત્રોએ તલવાર અને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો સાથે રાજુભાઈ મારવાડીના ઘરે પહોંચી ગયા હતા. રાજુભાઈ મારવાડી ઘરમાં પરિવાર સાથે જમવા બેઠા હતા તે જ સમયે ઘરમાં ઘૂસી જઈને ઘરની લાઈટો બંધ કરી દઈ તલવાર અને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો વડે રાજુભાઈ મારવાડી ઉપર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં રાજુભાઈ મારવાડી, તેની પત્ની અને પુત્ર અર્જુનને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જાે કે, રાજુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ટૂંકી સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા. હત્યાના બનાવની જાણ બાપોદ પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલાખોરો પિતા નટવર મારવાડીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોતને ભેટેલા રાજુભાઇ મારવાડીના મોટાભાઇ મણીલાલ મારવાડી (રહે. પીળા વુડાના મકાનમાં)એ જણાવ્યું હતું કે, છ-સાત માસ પૂર્વે રાજુભાઇ મારવાડી અને સોમાભાઇ મારવાડીના પરિવાર વચ્ચે ક્રિકેટ રમતા છોકરાઓ બાબતે ઝઘડો થયો હતો. તે સમયે સોમાભાઇ મારવાડી સહિત તેમના પરિવારે રાજુભાઇને મારી નાખવાની ધમકી આપી હતી અને ગુરુવારે રાત્રે મોકો મળતાં સોમાભાઇ કાંતિભાઇ મારવાડી તેમના પુત્રો નટવર મારવાડી, ઇશ્વર મારવાડી તેમજ પ્રપૌત્ર સંજય નટવર મારવાડીએ તલવાર, ચાકુ અને લાકડીઓથી હુમલો કરી મારા નાના ભાઇ રાજુને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. રાજુભાઇ મારવાડીની પત્ની સોનીબહેન મારવાડીએ બાપોદ પોલીસ મથકમાં સોમાભાઇ કાંતિભાઇ મારવાડી, નટવર સોમાભાઇ મારવાડી, ઇશ્વર સોમાભાઇ મારવાડી અને સંજય નટવરભાઇ મારવાડી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે આજે પણ પીળા વુડાના મકાનમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.