ગાંધીનગર, તા.૧૪

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે તા. ૧૪ મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેનો બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો હતો. તા. ૧૪ મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસને પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવી છે. પરંતુ ગાંધીનગરમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલેન્ટાઈન ડેનો વિરોધ કરાયો હતો. ગાંધીનગરમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બજરંગદળના કાર્યકરો હાથમાં ડંડા લઈને પહોંચ્યા હતા અને પ્રેમી યુગલોને ભગાડ્યા હતા. ગાર્ડનમાં પહોંચેલા બજરંગદળના કાર્યકરોએ ‘જય શ્રી રામ‘ના નારા લગાવ્યા હતા. કેટલાક લોકો બજરંગદળના કાર્યકરોથી એટલા ડરી ગયા હતા કે તેઓ ગાર્ડનમાંથી ભાગ્યા હતા. જેના કારણે બજરંગ દળના કાર્યકરો પણ હાથમાં દંડા લઈને પાછળ દોડ્યા હતા. બજરંગદળના કાર્યકરોર સમગ્ર ગાર્ડનમાં ફરીને યુવાનોને પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવાની સલાહો આપી હતી.