અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ નહીં વસૂલાય
15, જુલાઈ 2025 સાંચોર   |   2178   |  

રીપેરીંગની કામગીરી ચાલુ હોવાથી ટોલ ટૂંકી મુદત માટે નહી લેવાય

ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે. રોડ રસ્તા અંગે લોકોમાં રોષ ફેલાતા મુખ્યમંત્રીએ તાત્કાલિક રીપેરીંગ કરવા માટે આદેશ કર્યો હતો. રાજ્યમાં ભારત માલા પ્રોજેક્ટ અને અમૃતસર જામનગર એક્સપ્રેસ વે સહિતના મોટા હાઈવે સહિત રોડ તૂટી ગયા હતા. આ રોડની હાલમાં રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ છે. જેન કારણે નેશનલ હાઈવે ઓથોરિટીએ અમૃતસર જામનગર એક્સપ્રેસ વેના 28 કિ.મી સ્ટ્રેચમાં આજથી ટોલ નહીં વસૂલવા નિર્ણય લીધો છે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની કામગીરી ચાલુ હોવાથી 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે. NHAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે.

રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે. ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution