15, જુલાઈ 2025
લખપત |
2574 |
બોટમાંથી માછીમારીની સામગ્રી મળી : કિશોરની બીએસએફે સઘન પૂછપરછ હાથ ધરી
કચ્છના લખપત તાલુકાના દરિયાઇ વિસ્તારમાં માછીમારી કરતાં ભારતીય જળ સીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાની કિશોરને બોટ સાથે બીએસએફની ટીમે લખપતવાળી ક્રિકમાંથી ઝડપી પાડ્યો હતો.
મળતી વિગતો મુજબ બીએસએફની 176 બટાલીયને રવિવારે સાંજે પેટ્રોલિંગ દરમિયાન લખપતવાળી ક્રિકમાંથી રસુલ બક્સ નામના કિશોરને બોટ સાથે ઝડપી પાડ્યો હતો. આ પાકિસ્તાની કિશોર પાસેથી એક બોટ અને માછીમારીના સાધનો તેમજ રાશન સહિતનો મુદમાલ કબજે કરીને બીએસએફની ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પકડાયેલા પાકિસ્તાની ઘુસણખોર સાથે અન્ય કેટલા લોકો હતા કે, કેમ તે હજુ જાણી શકાયુ નથી. હાલ બીએસએફ દ્વારા પકડાયેલા ઘૂસણખોરને સાથે રાખીને સ્થળ પર રિકન્ટ્રક્શન સહિતની કાર્યવાહી કરવામાં આવતી હતી. આ પકડાયેલા પાકિસ્તાની કિશોર સાથે અન્ય કેટલા હતા. તે બાબતે બીએસએફ ટુકડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, આ પૂર્વે પણ માછીમારી દરમિયાન ભારતીય જળ સીમામાં ધૂસી આવેલા અનેક પાકિસ્તાની નાગરિકો પકડાયા છે.