વડોદરા, તા.૨૪

વડોદરા જિલ્લાની વાઘોડિયા અને પાદરા બેઠક પર ભાજપે ટિકિટ નહીં આપતાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારનું સમર્થન કરનાર પાદરા નગરપાલિકાના ૧૦ સભ્યો, સંગઠનના હોદ્‌ેદારો સહિત ૫૧ જણાને જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. વડોદરા જિલ્લાની વિધાનસભાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા બેઠક પર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ નહીં ફાળવતાં રાજીનામું આપીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે પાદરા વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુમામા)એ અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ રાજીનામું આપ્યું હતું. જાે કે, બંનેએ રાજીનામું આપ્યા બાદ તાજેતરમાં પક્ષમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર વડોદરા જિલ્લાના ૩ ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે પાદરા અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારનું સમર્થન કરનારા પાદરા નગરપાલિકાના ૧૦ સભ્યો, પાદરા તાલુકા અને નગરના હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, પાદરા એપીએમસીના ચેરમેન સહિત પાદરા નગર અને તાલુકાના ૪૮ અને વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રમાં સંગઠનના ૩ હોદ્દેદારોને પણ જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવતાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર ચતુષ્કોણીયો જંગ અને પાદરા વિધાનસભા બેઠક પર ત્રિકોણીયો જંગ જામે તેવી શક્યતા છે. જાે કે, પક્ષવિરુદ્ધની કામગીરી બદલ અગાઉ અપક્ષ ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા બાદ હવે સંગઠનના હોદ્દેદારોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.