વડોદરા,

વાડી વિસ્તારમાં ઈદગાહ મેદાન પાસે ગત રાત્રે યુવતી સાથે પ્રેમપ્રકરણના મુદ્દે કલાલી અને ગાજરાવાડી વિસ્તારના યુવકો વચ્ચે ઉગ્ર તકરાર બાદ સામસામે ચાકુ અને પટ્ટાથી હુમલો કરવામાં આવતા પાંચ યુવકોને ઈજાઓ પહોંચી હતી.

કલાલીગામ ભાથુજી મંદિર સામે રહેતા ૧૯ વર્ષીય ગીરીશ ઉર્ફ ગોવિંદ શંકર વસાવાએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘ ગાજરાવાડી ઈદગાહ મેદાન પાસે રહેતા મયુર કમલેશ જાદવને અમારી જ્ઞાતીની યુવતી સાથે પ્રેમસંબંધ હોઈ તે મુદ્દે ગઈ કાલે મયુરના ભાઈ ચિરાગ જાદવ સાથે મારી ફોન પર બોલાચાલી થઈ હતી જેમાં તેણે અપશબ્દો કહ્યા હતા. ગત રાત્રે હું મારા મિત્ર સાગર વસાવા સાથે ઈદગાહ મેદાન પાસે ગયા હતા અને ચિરાગને રોડ પર બોલાવીને તેને ગાળો કેમ બોલતો હતો તેમ પુછયુ હતું. આ દરમિયાન મયુર પણ ત્યાં આવી પહોંચતા બંને ભાઈઓએ અમારી પર હુમલો કર્યો હતો અને ચિરાગે તેને પહેરેલો પટ્ટો કાઢી અમને મારતા હું અને મારો મિત્ર લોહીલુહાણ થયા હતા.’

જયારે સામાપક્ષે ૨૦ વર્ષીય ચિરાગ જાદવે પણ ફરિયાદ નોંધાવી હતી કે ‘કલાલી ગામમાં રહેતા સાગર વસાવાએ ફોન કરીને મારા ભાઈ મયુરને રોડ પર બોલાવતા હું ગત રાત્રે રોડ પર ગયો હતો. રોડ પર ઉભેલા સાગર ભોગીલાલ વસાવા અને ગીરીશે મારા ભાઈને બોલાવવાના મુદ્દે ઝઘડો કરી મારી સાથે ઝપાઝપી કરી હતી અને તેઓ મારા ભાઈને બોલાવવા મારા ઘરે જતા હું પણ તેઓની પાછળ ગયો હતો. મારી ઘરે જઈ આ બંનેએ મયુરને તેઓની સાથે આવવાનું કહેતા મયુરે તેની ના પાડી હતી જેથી આ બંનએ તેની સાથે ઝપાઝપી કરી હતી. મારા પાડોશી ધીરજભાઈ અને વિજયભાઈએ હુમલામાં દરમિયાનગીરી કરતા ગીરીશે ચાકુ વડે હુમલો કરી ધીરજના ખભાના ભાગે અને વિજય નાયરના પેટના ભાગે ઈજા પહોંચી હતી ’. વાડી પોલીસે બંને પક્ષે ચાર હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.