/
શહેરાના ભોટવા ગામે બે મકાનો તેમજ રીક્ષા સળગાવી દેવામાં આવી

 હાલોલ

વર્ષ ૨૦૧૭માં શહેરા તાલુકાના ભોટવા ગામે આવેલ આમલી ફળિયામાં રહેતી સુનીતા સાહેબસિંહ બારીઆને ફળિયાના જ સંજય પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને એક જ તાંતણે જીવવાના અરમાન લઈ તેઓના ગામ ભોટવાથી ભાગી જઇ પ્રેમ લગ્ન કરી લીધા હતા.બે વર્ષના દાંપત્ય જીવનમાં કોઈપણ ખટરાગ વગર તેઓએ સુખમય રીતે દિવસો પસાર કરી રહ્યા છે. દરમિયાનમાં ૧૦મી જાન્યુઆરીના દિવસે સુનીતા બિમાર હોવાનું તેના પતિ સંજયે જણાવી તે મહેસાણા ખાતે દવાખાનામાં દાખલ હોવાનું જણાવ્યું હતું,પરંતુ ફરિયાદી વિક્રમને સુનીતા અને સંજય બંને ભાગી જતા બે વર્ષ પહેલા મારામારી થઈ હોવાથી તેણે મહેસાણા જવાની અસંમતિ દર્શાવી હતી.૧૧મી જાન્યુઆરીના દિવસે સવારે સંજયનો ફોન આવ્યો કે સારવાર દરમ્યાન સુનીતા મૃત્યુ પામી છે. આ તરફ પ્રેમલગ્ન હોવાથી મહેસાણા પોલીસને જાણ કરાતા ત્યાંની પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હોવાનું શહેરા પોલીસ મથકના પી.આઈ. એ જણાવ્યું હતું. મૃતક સુનીતાના મૃતદેહને તેના પતિ તેમજ સસરા માદરે વતન ભોટવા ન લાવતા ક્યાં લઈ ગયા અને ક્યાં તેણીની અંતિમવિધિ કરી તેનાથી ફરિયાદી સંપૂર્ણ અજાણ હતા તેમ છતાં બે વર્ષ પૂર્વે પોતાની પુત્રી સુનીતાને ભગાડી ગયેલા સંજયને ફરિયાદી વિક્રમે મદદ કરી હતી. એની અદાવત રાખી અને અધૂરામાં પૂરું સુનીતાનું મૃત્યુ થતાં તેના માટે પણ વિક્રમને જવાબદાર ગણી મૃતક સુનીતાના પિતા સહિત ૧૩ જણાએ તેમના મકાન પર હલ્લા બોલ કરી તેઓના હાથમાં રહેલી લાકડી તેમજ તુવેરના કરઠીયાના સળગતા કાકડા લઈ ફરિયાદી અને તેના ભાઈ ભુપેન્દ્રના ઘરને આગ ચાંપી દીધી હતી. જાેકે ઘટનાની જાણ થતાં શહેરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવા માટે પાણીના બંબા મંગાવ્યા હતા,પરંતુ ત્યાં સુધીમાં બંને ઘર અને રીક્ષા રાખમાં ફેરવાઈ ચુક્યા હતા. ફરી એક વખત ફાયર ફાઇટરો મોડા પડતા તમામ ઘરવખરી આગમાં સ્વાહા થઈ ગઈ હતી, હાલ તો ફરિયાદી વિક્રમની સ્થિતિ પાડાના વાંકે પખાલીને ડામ જેવી થઈ ગઈ છે. પોલીસે ફરિયાદના આધારે ૧૩ વ્યક્તિઓ સામે રાયોટીંગ સહિત અન્ય ગુના નોંધી તેઓની ધરપકડ કરવાના ના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે શહેરાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.નકુમે જણાવ્યું હતું કે ભોટવા ગામે બનેલી મકાન સળગાવ્યાની ઘટનામાં તમામ ૧૩ આરોપીઓ હાલ ભાગી છૂટ્યા છે, તેઓની ભાળ મેળવવા માટે પોલીસની અલગ-અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે. યાંત્રિક ઉપકરણોની મદદ વડે તેઓનું લોકેશન જાણવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution