વડોદરા : શહેર-જિલ્લામાં ગઈ કાલે ધામધુમથી ઉજવાયેલા દિવાળી પર્વ નિમિત્તે સાંજથી મોડી રાત સુધી ઠેરઠેર મોટી સંખ્યામાં ફટાકડા ફુટ્યા હતા. જાેકે શહેરમાં રાત્રે આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે તેવા પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરી રાત્રે દસ વાગ્યા બાદ ફટાકડા ફોડતા વિવિધ વિસ્તારના ૩૪ યુવકોની પોલીસે અટકાયત કરી તેઓની દિવાળી બગાડી હતી.  

હિન્દુઓના સૈાથી મોટો પર્વ દિવાળીના ઓળખસમા ફટાકડા ફોડવા માટે દેશભરમાં લાંબા સમયથી પ્રદુષણના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્ય સરકારે ફટાકડા ફોડવા માટે મંજુરી આપતા શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ધમધમતા થયા હતા. કરોડો રૂપિયાના ફટાકડા વેંચાઈ ગયા બાદ દિવાળીને બે દિવસ અગાઉ શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું જેમાં વડોદરા શહેરમાં આગામી ૧૧થી ૧૯મી તારીખ સુધી દિવાળી દરમિયાન માત્ર રાત્રે ૮થી ૧૦ સુધી જ ફટાકડા ફોડવાનો આદેશ કર્યો હતો.

દરમિયાન ગઈ કાલે દિવાળી નિમિત્તે સાંજ પડતા જ શહેરના મોટાભાગના તમામ વિસ્તોરમાં ફટાકડા ફુટવાની શરૂઆત થઈ હતી અને મોડી રાત સુધી ફટાકડા ફોડી તેમજ આતશબાજી કરીને શહેરીજનોએ ઉત્સાહભેર દિવાળીની ઉજવણી કરી હતી. જાેકે દિવાળીના તહેવારમાં શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામાનો અમલ કરાવવા માટે શહેર પોલીસ તંત્રમાં ભાગલા પડ્યા હતા જેમાં કેટલાક વિસ્તારોમાં પોલીસે તપાસ શરૂ કરી રાત્રે દસ વાગ્યા બાદ ફટાકડા ફોડતા એકલ-દોકલ યુવકોની જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી તેઓની દિવાળી બગાડી હતી જયારે કેટલાક પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામાનો અમલ કરાવવાની તસ્દી લીધી નહોંતી.

દિવાળીની રાત્રે દસ વાગ્યા બાદ પણ ફટાકડા ફુટતા હોઈ શહેર પોલીસની કેટલાક પોલીસ મથકના સ્ટાફે પોલીસ કમિ.ના જાહેરનામાનો અમલ કરાવવા માટે તેઓના પોલીસ મથક વિસ્તારમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ગોરવા પોલીસે ૧, હરણી પોલીસે ૪, જેપી રોડ પોલીસે એક મુસ્લીમ યુવક સહિત ૭, કારેલીબાગ પોલીસે પણ એક મુસ્લીમ યુવક સહિત ૩, માંજલપુર પોલીસે ૫, વારસિયા પોલીસે ૧, નવાપુરા પોલીસે ૬, બાપોદ પોલીસે ૭ અને સયાજીગંજ પોલીસે ૧ સહિત કુલ ૩૪ યુવકોને ઝડપી પાડી તેઓની દિવાળીની ઉજવણી બગાડી હતી.

 પોલીસે જે યુવકોને જાહેરનામાનાના ભંગ બદલ ઝડપ્યા હતા તેઓએ તેઓએ દિવાળી તહેવારમાં રાત્રે દસ વાગ્યા બાદ ફટાકડા ફોડી શકાય નહી તેવા જાહેરનામાની કોઈ જાણકારી જ નથી તેવો બચાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ફટાકડા ફોડવા બદલ પોલીસે ૩૪ યુવકોની અટકાયત કરતા શહેરમાં જીવલેણ પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો અને કેરોસીનનો ઉપયોગ કરી પ્રદુષણ ફેલાવતા રિક્ષાચાલકો સામે પણ પોલીસ આ જ રીતે કાર્યવાહી કરે તેવી પણ એક માંગ ઉઠી છે.