અમદાવાદ-

કોરોનાના દર્દીઓ માટે વિટામિન-સીવાળા ફ્રૂટ્‌સ ખાવા આરોગ્ય માટે લાભદાયક છે, આથી હાલમાં બજારમાં મળતાં નારંગી, મોસંબી, કિવી, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, પાઇનેપલ સહિતમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોવાથી એની માગ વધી છે. કોરોનાના કપરાકાળમાં નિર્દોષ અને સામાન્ય જનતાને લૂંટવામાં કોઈ બાકી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આફતને અવસરમાં પલટી નાખવા અંગેના સૂત્રને અપનાવી વેપારીઓ બેફામ ભાવવધારો કરી લૂંટફાટ ચલાવી રહ્યા છે અને જનતા બિચારી મજબૂરીમાં લૂંટાઈ રહી છે. આ ભયંકર ભાવવધારો થવાનું કારણ કોરોના સંક્રમણ અને રમઝાન માસ છે. રમઝાનમાં ઈફ્તારીમાં ફ્રૂટસ્નો વધુ ઉપયોગ થતો હોવાથી એની માગ વધી છે.

સામાન્ય સમયમાં જે લીંબુના ભાવ પ્રતિ કિલો ૪૦-૫૦ રૂપિયા હતા, એ આજે ૧૩૦ સુધી વેચાઈ રહ્યા છે. એમાં પણ લીલાં નાળિયેર જે થોડા દિવસ પહેલાં ૧૦૦ રૂપિયાના ૫ મળતા હતા, એ આજે ૧૦૦ રૂપિયામાં એક મળી રહ્યું છે તેમજ મોસંબી જ રૂ.૨૦૦થી ૨૫૦ રૂપિયાના ૧૦ કિલો મળતી હતી એના ભાવ આજે રૂ.૮૦૦થી રૂ.૧૦૦૦ થઈ ગયા છે. સફરજન પણ ૧૦૦ રૂ. કિલોમાંથી ૨૦૦ રૂપિયે કિલો વેચાવા લાગ્યા છે. જ્યારે અનાનસ પણ ૪૦ રૂપિયાના મળતા હતા, એ આજે ૧૦૦ રૂ.માં મળે છે.

બેકાબૂ બનેલા કોરોનાના સંક્રમણને પગલે હાલમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જેવી સ્થિતિ બની રહી છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે ફ્રૂટ્‌સ ખાવાનું તબીબો દ્વારા જણાવવામાં આવે છે. તેમાંય વિટામિન-સીનું પ્રમાણ વધુ હોય એવા ફ્રૂટ્‌સ જેમ કે નારંગી, મોસંબી, પાઇનેપલ, દ્રાક્ષ, કિવી અને ડ્રેગન ફ્રૂટ જેવાં ફળો ખાવાનું જણાવવામાં આવે છે, આથી બજારમાં તેની ડિમાન્ડ વધુ હોવાથી ઠેર ઠેર આવા ફ્રૂટ્‌સનું વેચાણ વધ્યું છે. હાલમાં વિટામિન-સીવાળા ફ્રૂટ્‌સની ડિમાન્ડને જાેતાં ફ્રૂટ્‌સના વેપારીઓ દ્વારા તેની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. બજારમાં વેચાતાં નારંગી, મોસંબી, દ્રાક્ષ, કેરી, પાઇનેપલ પ્રતિ કિલો રૂપિયા ૧૮૦થી ૨૦૦ના ભાવે વેચાઇ રહ્યાં છે. ત્યારે કોરોનાના દર્દીઓનાં સગાંની હાલત કફોડી બની રહી છે. એક બાજુએ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે રાહ જાેવી પડે છે, ત્યારે ફ્રૂટ્‌સના વેપારીઓએ માનવતા ભૂલી લૂંટવાનું શરૂ કર્યું છે.