ભરૂચ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિધવા સહાય માટે નિર્ણાયક ભૂમિકા ભજવનાર ભરૂચ-નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિના પ્રયાસોથી ભરૂચ જિલ્લામાં ૩૦,૦૦૦ અને ગુજરાતમાં અંદાજે આઠ લાખ વિધવા બહેનોને સહાયનો લાભ મળ્યો છે. હવે સમિતિ વિધવા બહેનોને રૂપિયા ૩૦૦૦થી ૫૦૦૦ સહાય મળે તેવી માંગને બુલંદ બનાવશે. સાથે યુવાન અને દિવ્યાંગોના પ્રાણ પ્રશ્નો અંગે પણ અવાજ ઉઠાવશે. તો સાથે કરજણ સીંચાઈ યોજનાનું રદ થયેલું મહેકમ ફરી મંજૂર થાય તે માટે પણ પ્રયાસો હાથ ધરશે. 

ભરૂચ અને નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિએ પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાની આગેવાનીમાં રાજ્યની વિધવા મહિલાઓને સરળતાથી રાજ્ય સરાકરની વિધવા સહાય યોજનાના લાભ મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા. રાજ્યામાં સૌથી મોટું વિધવા મહિલા સંમેલન બોલાવી તેમાં વિવિધ માંગણીઓ સાથેના ઠરાવો કરી રાજ્ય સરકારને મોકલાવ્યા હતા. જેના ફળસ્વરૂપે રાજ્ય સરકારે હકારાત્મક અભિગ અપનાવી યોજનાને સરળ બનાવી હતી. પરિણામે ભરૂચ જિલ્લાની ૩૦,૦૦૦ અને રાજ્યની ૮ લાખ જેટલી વિધવા મહિલાઓને સહાયના લાભ મળ્યા હતા. સમિતિના પ્રયાસોથી રાજ્ય સરકારે વિધવા સહાય વધારીને રૂપિયા ૧૨૫૦ કરી છે. પરંતુ વર્તમાન સમયમાં આટલી ઓછી રકમથી મહીનાનું ગુજરાન શક્ય નથી. આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં વિધવા બહેનોને રૂપિયા ૩૦૦૦થી ૫૦૦૦ સહાય મળે છે. જે જાેતાં ગુજરાતમાં પણ રૂપિયા ૩૦૦૦ સહાય મળવી જાેઇએ.