બાળકો અત્યાચારનો ભોગ ન બને તે માટે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો, નાટક દ્વારા ગુડ - બેડ ટચની સમજ અપાઈ
22, ફેબ્રુઆરી 2022

બોટાદ. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બાળકોની સુરક્ષા અને સલામતી સુનિશ્વિત કરતા આ અનેરા અભિયાન ‘સંવેદના એક અભિયાન અંતર્ગત આગામી સમયમાં જિલ્લાના તમામ બાળકોને આવરી લેવામાં આવશે અને તેમને તાલીમબદ્ધ ટીમ દ્વારા ગુડ ટચ અને બેડ ટચની સમજ આપવામાં આવશે. ‘સંવેદના-એક અભિયાન પાર્ટ-૨’ના શુભારંભ પ્રસંગે આ અભિયાનમાં જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની ઉપસ્થિતિ રહી હતી અને તેમના ઉદબોધન સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં ઉપસ્થિત બાળકોને ટીમ દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો, નાટક અને રોલ પ્લે દ્વારા સારા અને ખરાબ સ્પર્શ વિશે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ઉપયોગી બની રહે તેવા પેમ્પ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ અભિયાન અંતર્ગત હાલ બોટાદ ખાતેની અલગ-અલગ શાળાઓમાં આ તાલીમ ચાલુ છે અને આગામી સમયમાં જિલ્લાના તમામ વિસ્તારોને આ અભિયાન હેઠળ આવરી લેવાશે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ, બાળમંદીર તથા ઝુંપડપટીઓમાં ટીમ સંવેદના દ્વારા બાળકોને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા ગુડ ટચ અને બેડ ટચની તાલીમ આપવામાં આવશે. દરેક શાળાઓને ભવિષ્યમાં ઉપયોગી બની રહે તાલીમ સાહિત્ય વાળી ડીવીડીનું પણ વિતરણ કરાશે. આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે. જેથી દરેક બાળકનો મુક્ત અને ર્નિભય વાતાવરણમાં સર્વાંગી વિકાસ થાય તે ખુબ જરૂરી છે, પરંતુ અલગ-અલગ કારણોસર બાળકો સાથેના અપરાધોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહેલ છે. આ અપરાધો બનતા અટકાવવા વાલીઓ અને બાળકોમાં જાગૃતિ આવે તે અતિ આવશ્યક બાબત છે. બોટાદ જિલ્લામાં વર્ષ-૨૦૧૯ માં બોટાદ શહેર ખાતે છ વર્ષની બાળકીને પતંગની લાલચ આપી એક નરાધમ દ્વારા લલચાવીને અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution