ભરૂચ, ભરૂચમાં બે મહિના અગાઉ કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો અને કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ ૬૦થી વધારે મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતાં હતાં ત્યાં હવે માંડના બે મૃતદેહ આવી રહયાં છે. કોરોનાનો કહેર ઓછો થતાં લોકોને તથા વહીવટીતંત્રને હાશકારો થયો છે. સમગ્ર રાજયમાં એક માત્ર ભરૂચ ખાતે કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું છે કે જયાં કોરોનાથી મૃત્યુ પામતાં લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અત્યાર સુધી આ સ્મશાનમાં ૨ હજારથી વધારે લોકો પંચમહાભુતમાં વિલિન થયાં છે. બે મહિના અગાઉ કોરોનાની બીજી લહેરમાં કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ ૬૦ કરતાં વધારે મૃતદેહો અંતિમદાહ માટે આવતાં હતાં. સ્મશાન ખાતે સતત સળગતી ચિતાઓ કોવીડના કહેરનો અનુભવ કરાવતી હતી. સુર્યનું પહેલું કિરણ ઉગે તે પહેલાં તો કોવીડ સ્મશાનની બહાર મૃતદેહો લઇને આવેલી શબવાહિનીઓની કતાર લાગી જતી હતી. સવારથી શરૂ થતી અંતિમ સંસ્કારની કાર્યવાહી મોડી રાત સુધી ચાલતી હતી. મોતનો મંજર જાેઇ ભલભલાના કાળજા કંપી ગયાં હતાં. સ્મશાનના સ્વયંસેવકો પણ સતત અગ્નિદાહ આપી રહયાં હતાં. પણ સરકારે મીની લોકડાઉન અને નાઇટ કરફયુ સહિતના પગલાંઓ ભરતાં હવે કોરોનાના કેસ ઓછા થયાં છે. ભરૂચના કોવીડ સ્મશાન ખાતે હાલ માત્ર સરેરાશ બે મૃતદેહો અંતિમસંસ્કાર માટે આવે છે.