વડોદરા, તા. ૩

શહેરના ગોરવા વિસ્તારમાં ઢોરપાર્ટી દ્વારા ઢોર પકડવાની કામગીરીમાં હાજર ગોરવા પોલીસ મથકના સ્ટાફ સાથે ઢોરમાલિકોના ટોળાએ ઘર્ષણ કરી અપશબ્દો કહ્યા હોવાની ફરિયાદમાં હવે ગોરવા પોલીસ મથકના એક પીએસઆઈ અને પોલીસ મથકના વહીવટદાર સહિતના ડીસ્ટાફના જવાનોને પણ મહિલાઓ સહિતના ટોળાએ એક તબક્કે ઘેરી લઈને મેથીપાક ચખાડ્યો હતો પરંતું આબરુ જવાની બીકે આ સમગ્ર વિગતોને ગુપ્ત રાખવામાં આવી હોવાની વાત શહેર પોલીસ બેડામાં ચર્ચાના ચગડોળે ચઢી છે. શું માત્ર આબરુ જવાની બીકે ? કે પછી આ વાત ગુપ્ત રાખવા બદલ ખિસ્સુ ગરમ થતાં ટોળાએ મેથીપાક ચખાડ્યાની વાત છુપાવી રાખી તે મુદ્દો હવે પોલીસ અધિકારીઓ માટે પણ તપાસનો વિષય બન્યો છે.

ગોરવા પોલીસ મથકની બાજુમાં આવેલા સેન્ટમેરી સ્કુલ પાછળ કોર્પોરેશનની દબાણ શાખાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી જેના બંદોબસ્ત માટે ગોરવાના પીએસઆઈ કે જી ચાવડા તેમજ વહીવટદાર ગજેન્દ્રસિંહ તેમજ ડીસ્ટાફના સંદિપસિંહ, અનિરુધ્ધસિંહ, પ્રતિપાલસિંહ અને અશોકસિંહ સહિતનો સ્ટાફ પણ હાજર હતો. આ દરમિયાન સેન્ટ મેરી સ્કુલના ગેટ પાસે મેદાનમાં પોલીસ જવાનોએ ગાયોને કોર્ડન કરતા મેદાનની પાછળ રબારીવાસમાં રહેતા ગૈાપાલકોનું ટોળું ધસી આવ્યું હતું અને તેઓએ પોલીસ જવાનોને અપશબ્દો બોલી ૫ોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કર્યાની ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જાેકે આ સમગ્ર બનાવમાં હવે પોલીસ બેડામાં એવી ચર્ચા શરૂ થઈ છે કે રબારીવાસના ગોપાલકોની ગાયો જાતે વાડામાં પરત ફરતી હતી તે સમયે પોલીસ જવાનોએ સેન્ટ મેરી સ્કુલના મેદાનમાં ગાયો પુરી દઈ સ્કુલનો ગેટ બંધ કરી દેતા મહિલાઓ સહિત ગોપાલકોના ટોળાએ ગાયો જાતે વાડામાં આવી રહી છે તો તમે કેમ પુરી રાખી છે ? તેમ કહી બોલાચાલી કરી હતી. જાેકે આ દરમિયાન પોલીસ જવાનોએ સામે અપશબ્દો કહેતા ટોળા પૈકીની મહિલાઓએ પીએસઆઈ ચાવડા અને વહીવટદાર સહિત ડિસ્ટાફના જવાનોને ઘેરી લઈ તેઓને મેથીપાક ચખાડ્યો હતો. જાેકે ત્યારબાદ વધુ પોલીસ કાફલો આવતા ટોળામાં ઘેરાયેલા પોલીસ જવાનોને માંડ માંડ છુટકારો થયો હતો.

જાેકે પીએસઆઈ સહિતના પોલીસ જવાનોને ટોળાએ મેથીપાક ચખાડ્યો હોવા છતાં તેઓએ આવા ગંભીર બાબતનો ફરિયાદમાં કેમ ઉલ્લેખ નથી કર્યો ? તે બાબતે ચર્ચા ચાલી છે. શું માત્ર આબરુ જવાની બીકે મેથીપાક ચખાડ્યાની વાત ગુપ્ત રાખી કે પછી ખિસ્સુ ગરમ થતા આ બાબતે જાણી જાેઈને છુપાવવામાં આવી છે ? તે દિશામાં પણ જાે પોલીસ અધિકારીઓ તપાસ કરે તો સાચી વિગતો સપાટી પર આવશે તેમ સુત્રોમાં ચર્ચા છે.