ભીમપુરાના યુવાને નોકરી છોડીને ખારેકની ખેતીમાં ડંકો વગાડયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુલાઈ 2020  |   2871

વડગામ,તા.૨૨ 

આજના સમયમાં યુવાનોએ સરકારી નોકરી મેળવવા માટે દોટ મુકી છે. ધોરણ-૧૨ કે કોલેજ કર્યા પછી ઘણાં યુવાનો કોચીંગ ક્લાસ કરીને સરકારી નોકરીની તૈયારીમાં લાગી જાય છે. સરકારી નોકરીમાં જ ઉજ્જવળ ભવિષ્ય અને સલામતિ છે એવું લોકો પણ માનતા હોય છે પરંતુ તેવું નથી બીજા અનેક ક્ષેત્રોમાં પણ પોતાની આવડત અને કુશળતાથી ભવિષ્ય ને સોનેરુ બનાવી શકાય છે. આજે આપણે એક એવા યુવાનની વાત કરવી છે કે જેમણે સરકારી નોકરી છોડીને બાગાયતી ખારેકની ખેતી દ્વારા ડંકો વગાડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભીમપુરા ગામનાં યુવાન અશ્વિનભાઇ ચેલાભાઇ પટેલને વર્ષ-૨૦૧૦માં ઇન્ડીયન આર્મીમાં નોકરી મળી હતી.

સરકારી નોકરી મળતાં જ પરિવારમાં આનંદનો માહોલ છવાયો અને એમાંય આ તો આર્મીની રૂઆબદાર નોકરી એટલે ગામમાં વાહવાહ થવા લાગી.. પરંતું આ યુવાનનું મન ખેતીમાં જ રચ્યુંપચ્યું રહેતું હતું. તેને ખેતી ક્ષેત્રે કંઇક નવું કરી આ વિસ્તારમાં નવો ચીલો ચાતરવો હતો. એટલે તેણે વર્ષ-૨૦૧૨માં સ્વૈચ્છાએ નોકરી છોડીને પોતાના વતન આવી ગયો. ખેડુત પુત્ર અશ્વિનભાઇ પટેલને બાપ-દાદાની ૬૩ એકર જમીન તો હતી જ એટલે બીજો કોઇ આર્થિક ઉપાર્જનનો પ્રશ્ન તો હતો જ નહીં. આ યુવાનને પહેલેથી જ કંઇક નવું કરવાની તમન્નાએ તેને બાગાયતી ખેતી કરવા તરફ પ્રેર્યો. વિવિધ નર્સરીઓ અને બાગાયતી પાકોના ફાર્મની મુલાકાત લીધા પછી અશ્વિનભાઇ પટેલે નક્કી કર્યુ કે, મારે પણ બાગાયતી ખેતી કરીને ખેતીમાંથી સારી આવક મેળવવી છે. તેમણે વર્ષ-૨૦૧૩માં ૧૫ એકર જમીનમાં દાડમ અને ૪ એકર જમીનમાં ૨૦૦ રોપા ઈઝરાયેલી બરહી જાતિના ખારેકના રોપાઓ લાવી વાવ્યા. દાડમના પાકમાંથી વર્ષે રૂ. ૧૬ લાખથી વધુની આવક થાય છે પરંતું તેમાં દવા, મજુરી વગેરે ખર્ચ પણ થાય છે. જયારે ખારેકની ખેતીમાં વાવણી સમયે રોપાઓ અને મજુરીનો ખર્ચ એકવાર થાય છે ત્યારબાદ કોઇ દવાનો છંટકાવ કરવો પડતો નથી. ખારેકના થડમાં ફક્ત છાણીયું ખાતર આપવામાં આવે છે.ખારેકને વાવ્યા પછી ચોથા વર્ષથી તેની આવક શરૂ થાય છે. તેમના ખેતરમાં વર્ષ-૨૦૧૬થી ખારેક આવવાનું શરૂ થયું છે. ગયા વર્ષે ૨૪ ટન આ વર્ષે ૩૦ ટન ખારેકનું ઉત્પાદન થવાની ધારણા છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution