લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
1782
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરથી વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીની વિદેશમાં નિકાસનો સિઝન શરૂ થયો છે, પરંતુ આ વર્ષે એર કાર્ગોના ભાડામાં બમણો વધારો થતાં કેસર કેરીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેના કારણે યુએસ અને યુકે જેવા દેશોમાં ભારતીય કેરી હવે ગ્રાહકો માટે વધુ મોંઘી બની રહી છે.
તાલાલા ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત પેક હાઉસ મારફતે કેસર કેરીની પ્રોસેસિંગ અને નિકાસ કરવામાં આવે છે. અહીં ખેડૂતો પાસેથી સીધી કેરી ખરીદીને તેને ધોઈ, ગ્રેડિંગ કરીને અને એકસરખા સાઇઝના ફળોને પસંદ કરીને આકર્ષક પેકિંગ કરવામાં આવે છે. ત્રણ કિલોગ્રામના બોક્સમાં ૧૨ નંગ કેરી પેક કરવામાં આવે છે. ત્યારબાદ આ બોક્સોને અમદાવાદના બાવળા ખાતે રેડિયેશન પ્રોસેસ માટે મોકલવામાં આવે છે, જ્યાં જરૂરી પ્રોસેસ પૂર્ણ થયા બાદ એર કાર્ગો દ્વારા વિદેશમાં નિકાસ થાય છે.આ સિઝનમાં ૨૦૦૦ બોક્સનો પહેલો જથ્થો અમેરિકાના વોશિંગ્ટન અને યુકે માટે રવાના કરવામાં આવ્યો છે. તાલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળાએ જણાવ્યું હતું કે, પેક હાઉસમાં તમામ પ્રોસેસિંગ સુવિધાઓ સાથે કેસર કેરીને આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે.