ચેન્નેઇ-

અમેરિકન કંપની એપલે ભારતમાં તેની નવીનતમ ફ્લેગશિપ સિરીઝ આઇફોન 11 નું ઉત્પાદન શરૂ કર્યું છે. આઇફોન 11 ચેન્નઈ નજીક ફોક્સકોનના પ્લાન્ટમાં બનાવવામાં આવી રહ્યો છે.જો કે, આ પહેલીવાર નથી થયું જ્યારે એપલ ભારતમાં આઇફોન બનાવી રહ્યું છે. આ પહેલા પણ કંપનીએ ભારતમાં કેટલાક મોડેલો એસેમ્બલ કર્યા છે. પરંતુ કંપનીએ પહેલીવાર ભારતમાં ફ્લેગશિપ સિરીઝ બનાવવાની શરૂઆત કરી છે.

ઇટીના એક રિપોર્ટ અનુસાર, આગામી સમયમાં એપલ ભારતમાં ઉત્પાદનમાં વધારો કરશે, પરંતુ તે અનેક તબક્કામાં કરવામાં આવશે. એટલું જ નહીં, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કંપની આગામી સમયમાં ભારતમાં આઈફોન 11 બનાવીને અન્ય દેશોમાં નિકાસ કરી શકે છે. ભારતમાં આઇફોન ઉત્પાદન અહીં આઇફોન્સને સસ્તા બનાવી શકે છે, પરંતુ તેની કોઈ ગેરેંટી નથી. સ્થાનિક નિર્માણને કારણે, કંપની 22% સુધીનો આયાત વેરો બચાવી શકે છે અને ભારતમાં આઇફોન 11 નીચા ભાવે પણ વેચી શકે છે.

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે લખ્યું, 'મેક ઈન ઈન્ડિયા માટે આ નોંધપાત્ર પ્રોત્સાહન છે. એપલે ભારતમાં આઈફોન 11 બનાવવાનું શરૂ કર્યું છે, પ્રથમ વખત એપલ ભારતમાં ટોપ ઓફ ધી લાઇન મોડેલ બનાવશે 'અગાઉ, એપલે ફોક્સકનના પ્લાન્ટ પર આઇફોન એક્સઆરનું નિર્માણ કર્યું છે, પરંતુ આ હોવા છતાં તેની કિંમતમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. આ સિવાય કંપનીએ ભારતમાં આઇફોન એસઇ પણ એસેમ્બલ કરી હતી.