વડોદરા, તા.૩

વડોદરા શહેર-જિલ્લામાં આજથી ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને રસી આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની ૭૯ સ્કૂલોમાં જઈને રસી આપવામાં આવી હતી. રસીકરણને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ ૯૬,૬૬૦ ના ટાર્ગેટ સામે ૧૯,૧૨૮ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી.

જાે કે, ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને રસીકરણ માટે સ્કૂલોને અલગ અલગ તારીખો ફાળવવામાં આવી છે. દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ સ્કૂલોને ૧૦૦ ટકા રસીકરણનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આજે સવારે ૯.૩૦ વાગ્યાથી કિશોરો માટેના રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો હતો. અટલાદરા સ્થિત ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે સૌ પ્રથમ રસી મેયર કેયુર રોકડિયાની દીકરીએ મુકાવીને રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આજે કોર્પોરેશન દ્વારા શહેરની ૭૯ સ્કૂલોમાં રસીકરણ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિદ્યાર્થીઓ વાલીઓ સાથે શાળાએ આવ્યા હતા અને રસી લીધી હતી. જાે કે, વિદ્યાર્થીઓ સરળતાથી રસી લઈ શકે તે માટે શાળાઓ દ્વારા પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમો સવારે જ જે-તે સ્કૂલોમાં પહોંચી હતી અને પ્રથમ દિવસે ૧૯,૧૨૮ કિશોરોને રસી આપવામાં આવી હતી, એટલે કે, ૯૬,૬૬૦ના ટાર્ગેટ સામે ર૦ ટકા વિદ્યાર્થીઓનું પ્રથમ દિવસે જ રસીકરણ પૂરું કરાયું હતું. જાે કે, રસી લેવા માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેથી આગામી એકાદ અઠવાડિયામાં આ કેટેગરીમાં રસીકરણની ૧૦૦ ટકા કામગીરી પૂરી થાય તેવી શક્યતા છે.