વડોદરા,તા.૧૧

વિશ્વના જુદા જુદા દેશોમાં નોકરી અપાવતી કંપનીમાંથી મહત્વનો ડેટા ચોરી અમેરીકામાં બોગસ કંપની ઉભી કરનાર બે ભેજાબાજ કર્મચારીઓ સામે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાઈ છે. બંને કર્મચારીઓએ કંપનીને લાખોનું નુકસાન પહોંચાડ્યું હોવા ઉપરાંત કંપનીમાંથી ૨૫ લાખની લોન લઈ છેતરપીંડી કરી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

આસામનો રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે રહેતો અભિષેક મિશ્રા અટલાદરા ખાતે આવેલી ખાનગી કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપની સ્કીલ તેમજ નોલેજેબલ વ્યક્તિઓને ેંજીછ ખાતે નોકરી અપાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેમની કંપનીમાં વર્ષ-૨૦૧૬થી સાગર બસંતાની (રહે. સંત કવર કોલોની, વારસીયા) ટેક્નિકલ રીક્રુટર તરીકે અને વર્ષ-૨૦૧૮થી હિરલ વધવાણા (રહે. સંગમ સોસાયટી, વારસીયા ) એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.

કંપનીની તાલીમ મુજબ તેમને કંપનીના કોન્ફિડેન્સીઅલ ડેટા અને માહિતી ટ્રેનિંગ દરમિયાન પૂરી પાડવામાં આવી હતી. વર્ષ-૨૦૨૧માં હિરલે માંગણી કરતા કંપનીએ વગર વ્યાજે રૂપિયા ૬.૫૦ લાખની લોન આપી હતી. આ દરમિયાન સાગરે કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ કંપનીને જાણવા મળ્યું હતું કે, સાગર તથા હિરલ ભેગા મળી કંપનીની જાણ બહાર ેંજીછમાં બોગસ નામે ખાનગી કંપની ખોલી ફરિયાદીની કંપનીના ડેટાનો ઉપયોગ કંપનીના કલાયન્ટ સાથે કર્યો હતો.

કંપનીમાં છેલ્લા ૬ મહિના દરમિયાન સાગરે રૂપિયા ૭.૩૩ લાખ અને હિરલે રૂપિયા ૯.૭૪ લાખ વેતન તેમજ રૂપિયા ૭.૬૫ લાખની લોન મેળવી કુલ રૂપિયા ૨૪.૭૩ લાખ ઉપરાંતનું કંપનીને નુકસાન પહોંચાડ્યું છે. સાથે ખાનગી ડેટા ચોરી કંપનીને પણ મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.

સાઇબર ક્રાઇમે કંપનીના ડાયરેક્ટરની ફરિયાદના આધારે પોલીસે હિરલ અને સાગર વિરુદ્ધ છેતરપિંડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ ઝડપાયા બાદ ચોંકાવનારી વિગતો આવશે.