ગાંધીનગર-

ગુજરાતના નવા ડીજીપી તરીકે ૧૯૮૫ બેચના આઈપીએસ અધિકારી આશિષ ભાટિયાને નિમણૂંક આપવામાં આવી છે. ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાને મુકવાનો ર્નિણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. શિવાનંદ ઝા ત્રણ મહિના પહેલા નિવૃત્ત થયા હતા પરંતુ કોરોનાની સ્થિતિને કારણે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું. જે આજે પુરું થયું છે.

ગુજરાત સરકાર દ્વારા યુપીએસસીને ત્રણ નામ મોકલવામાં આવ્યા હતા જેને યુપીએસસીએ મહોર માર્યા પછી ગુજરાત સરકારે આશિષ ભાટિયાને ડીજીપી બનાવવાનો ર્નિણય કર્યો છે. આમ ગુજરાતને ૩૮ મા ડીજીપી તરીકે આશિષ ભાટિયા મળ્યા છે. હાલમાં તેઓ અમદાવાદના પોલીસ કમિશનર છે. શનિવારે એટલે કે આવતીકાલે તેઓ અમદાવાદ પોલીસ કમિશનરનું પદ છોડી ગુજરાતના પોલીસ વડા તરીકેનું પદ ગ્રહણ કરશે. હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ થશે તેની જાહેરાત આગામી એકાદ દિવસમાં થશે.

૨૦૦૮માં અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ થયો હતો તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રંચમાં જાેઈન્ટ પોલીસ કમિશનર હતા, અને તેમણે અને તેમની આખી ટીમે ભેગા થઈને ૨૦ જ દિવસમાં આખો કેસ ઉકેલી ૩૦ જેટલા આરોપીઓને પકડી લીધા હતા. આશિષ ભાટિયા ડીજીપીનો પદભાર સંભાળશે તો અમદાવાદ પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી પડી રહી છે જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર પદે સંજય શ્રીવાસ્તવ, કેશવકુમાર અને અજય તોમરના નામો ચર્ચામાં છે. આ મામલે ગૃહ મંત્રી પ્રદિપ જાડેજાએ કહ્યું કે આગામી દિવસોમાં અમદાવાદ પોલીસ કમિશ્નરના નામની જાહેરાત કરવામાં આવશે. 

મહત્વનું છે કે શિવાનંદ ઝા આમ તો આ વર્ષના એપ્રિલ મહિનામાં રિટાયર્ડ થવાના હતા પરંતુ કોરોના મહામારીને કારણે તેમનો ત્રણ મહિનાનો કાર્યકાળ લંબાવાયો હતો. અંદરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવાનંદ ઝાએ ત્રણ મહિના માટે વધુ એક વખત પોતાનો કાર્યકાળ લંબાવવા માટે પ્રયાસો કરી ચૂક્્યા હતા. પરંતુ આ વખતે દિલ્હીથી રાજ્યમાં નવા ડ્ઢય્ઁ માટેની તૈયારીઓ શરૂ કરવાના આદેશ આપી દેવાયા હતા.

આશિષ ભાટિયા ૨૦૧૬માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ભાટિયાને ૨૦૦૧માં પોલીસ મેડલ અને ૨૦૧૧માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે. અમદાવાદમાં કમિશનર તરીકે નિયુક્તિ થઈ તે પહેલા તેઓ CID, ક્રાઈમ અને રેલવેના DGP હતા. આશિષ ભાટિયા મૂળ હરિયાણાના વતની છે અને તેઓ છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાત પોલીસના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂકયાં છે.