ગાંધીનગર, ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાથી કેટલા લોકો મોતને ભેટ્યા તેની આંકડાકીય માયાજાળ વચ્ચે છેલ્લા ત્રણ મહિના દરમિયાન જ બે હજારથી વધુ લોકો કોરોના સામેની જંગ હારી જઈને રાત દિવસ શહેરનાં મુક્તિ ધામમાં લાઈનો સ્વરુપે મુક્તિ મેળવવા ગોઠવાઈ ગયા હતા. જેમાં એપ્રિલ માસની ગોઝારી ૧૬ તારીખને શુક્રવારે સૌથી વધુ એક સાથે ૭૯ મૃતકોને એક સાથે જ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં કોરોના આંક પણ વધવાની સાથો સાથ મૃત્યુ આંકમાં પણ ધરખમ વધારો નોંધાઈ ચૂક્યો છે. ભૂતકાળમાં સ્મશાનમાં દિવસમાં માંડ બે ત્રણ મૃતદેહો આવતા હતા. છેલ્લા બે મહિનામાં વધારો થતાં સ્મશાનમાં અગ્નિ દાહ માટેની ભઠ્ઠીઓ ખૂટી પડી છે.

કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ગાંધીનગરને પોતાના સકંજામાં લઈ રહી હતી. ત્યારે રાજકીય પક્ષો કોર્પોરેશન ચૂંટણીમાં વ્યસ્ત હતા. એમાંય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી તો કોરોનાએ તેની પીકઅપ પડવાનું શરૂ કરી દીધું હતું. અને જાન્યુઆરી ૨૦૨૧ થી જ મોતનો ખેલ શરૂ થઈ ચૂક્યો હતો.

ગાંધીનગર ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી મૃત્યુ આંક ૫૯૯ નોંધાયો હતો. જેમાં એકદમ જ ઉછાળો આવતાં સ્મશાનમાં રીતસરની મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લાઈનો માં લગાવી ટોંકન આપવાની શરૂઆત કરવાની ફરજ પડી હતી.ગાંધીનગરમાં કોરોનાનું મૃત્યુ આંક અકલ્પનીય છે ત્યારે સેકટર ૩૦ નાં મુક્તિ ધામમાં લાકડાના ૧૮ ભઠ્ઠા તેમજ સીએનજીની બે ભઠ્ઠી રાઉન્ડ ધ કલોક ધમધમતિ કરી દેવામાં આવી છે. જેમાં વિક્રમ પુરબીયા, પ્રકાશ વાળા, મુકેશ વાલોદ્રા, હિતેશ જેઠવા સીએનજી અને લાકડા નાં ભઠ્ઠા ઓપરેટરો તરીકે રાત દિવસ કામગીરી રહ્યા છે. મૃત્યુ આંક વધતા જ મહાનગર પાલિકા તરફ થી ૨૫ હજાર મણ લાકડાની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત ૧૦ હજાર સૂકાપૂળા અને ૫ હજાર વાંસની વ્યવસ્થા કરી અગ્નિ દાહ માટે કોઈને રાહ જાેવી ન પડે તેવું આયોજન સ્મશાન નાં સંચાલકો દ્વારા કરી દેવામાં આવ્યું છે.મુક્તિ ધામમાં માર્ચ મહિના માં ૧૯૬ તેમજ એપ્રિલ મહિનામાં ૧૨૭૬ મૃતદેહોને કોરોના ગાઈડ લાઈન મુજબ જ અગ્નિ દાહ આપી મુક્તિનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો.