રાજપીપળા,  સુરતથી એક બાળકી સહિત ત્રણ વ્યક્તિઓ નર્મદા જિલ્લામાં દર્શનાર્થે આવ્યા હતા.દર્શન કરી તેઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા એકા એક પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા, અંતે સ્થાનિક લોકોએ મહામુસીબતે ત્રણેવના મૃતદેહ બહાર કાઢ્યા હતા.આમ ધાર્મિક કામ માટે આવેલા સુરતના ૩ લોકોના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાયો હતો.ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.સુરત હીરાબાગના અનિલભાઈ કેશવજીભાઈ અજુવાડીયા ઉ.વ વર્ષ ૪૪, સુરત કતારગામના મગનભાઈ ભીખાભાઈ નાગલીયા ઉ.વ ૪૫ તથા એમની ૧૫ વર્ષીય દીકરી આરજુ મગનભાઈ નાગલીયા એકાદશી નિમિતે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર નાની રાવલ મંદિરે દર્શનાર્થે આવ્યા હતા.દર્શન પૂજા કરી ગાડી મૂકીને એ તમામ લોકો ગરમી હોવાથી નજીકની નર્મદા નદીમાં ન્હાવા ગયા હતા.નર્મદા નદીના પાણીની ઊંડાઈથી અજાણ ત્રણેવ લોકો આગળ ન્હાવા જતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.એક સમયે ત્રણેવ સભ્યો પાણીમાં ડૂબી ગયા હતા.સ્થાનિક તરવૈયાઓએ અંતે મહામુસીબતે ત્રણેવના મૃતદેહ બહાર કાઢ્યા હતા.ગરુડેસ્વર પીએસઆઈ એ.એસ.વસાવાએ અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહ કબજે કરી ગરુડેશ્વર ખાતે પીએમ કાર્યવાહી માટે મોકલી આપ્યા હતા.સુરતના પરિવાર સાથે કરુણાન્તિકા સર્જાતા પરિવારના અન્ય સભ્યોમાં ગમગીની છવાઈ હતી.