એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓની અનોખી શોધ, ખેડુતો માટે બનાવ્યો રોબોટ
09, જુન 2021

રાજકોટ-

રાજકોટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીએ રોબોટ બનાવ્યો છે, જેને ઈ-ફાર્મિંગ રોબોટ એવું નામ આપ્યું છે. આ રોબોટ માણસની મદદ વિના બિયારણ વાવેતરથી લઇને પાક ઉતારવા સહિતની તમામ કામગીરી કરી શકશે. આ રોબોટ બનાવવા માટે ચારેય વિદ્યાર્થીને એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ રોબોટને ખેડૂતો પોતાના ઘરેથી બેઠાં બેઠાં ઓપરેટ કરી શકશે.

ભાવનગરના જેસર ગામના વતની રાહુલ યાદવે તેના 3 મિત્ર સાથે મળી આ રોબોટ બનાવ્યો છે. રાહુલ તેના ગામડે જતો અને ત્યાં જોયું કે કોરોના ને કારણે ખેતીકામમાં મજૂરો ન મળતાં પોતાના પિતાને ખૂબ મુશ્કેલી થઈ રહી છે. એને જ લઈને આ પ્રકારનો રોબોટ બનાવવાનો વિચાર આવ્યો હતો. પિતા ખેતીકામ કરે છે. કોરોના બાદ તે પિતાની સાથે ખેતીકામમાં ગયો હતો, જ્યાં મજૂરો નહીં હોવાથી પિતાને ખેતીકામમાં હેરાનગતિનો સામનો કરતા જોયા. એના પરથી તેને વિચાર આવ્યો કે મજૂરની મદદ વિના ખેતીકામ થઇ શકે, એ પ્રકારનો પ્રોજેક્ટ બનાવવો જોઇએ અને તેણે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ કોમ્યુનિકેશનના છેલ્લા સેમેસ્ટરમાં આ પ્રોજેકટ બનાવ્યો. આ રોબોટ સેટેલાઈટ સાથે કનેક્ટેડ કર્યો છે અને એક મોબાઈલ એપ્લિકેશન પણ બનાવી છે, જેને કારણે ખેડૂત ઘેરબેઠાં આ રોબોટ ઓપરેટ કરી શકશે. આ રોબોટમાં કુલ બે સ્વિચ રાખવામાં આવી છે, જે ઓપરેટ કરવાથી જમીન ખેડવી, વાવેતર અને દવા છંટકાવ વગેરે જાતે થઇ શકશે અને એક કેમેરો રાખ્યો છે, જેમાં રાશબરી પાઈનો ઉપયોગ કર્યો છે. એની મદદથી રોબોટને પાક પાકી ગયાનો કમાન્ડ મળશે અને તે જાતે પાક ઉતારીને પોતાની બાસ્કેટમાં મૂકી દેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution