હાઈટેન્શન લાઈનનો વાયર તૂટી પડતાં અફરા-તફરી ઃ કોઈ જાનહાનિ નહીં
29, ડિસેમ્બર 2022

વડોદરા, તા.૨૮

વડોદરા શહેરના દિવાળીપુરા-ગદાપુરાથી ઈસ્કોન મંદિર તરફ આવવાના માર્ગ ઉપર હાઈટેન્શન લાઈન આવેલ છે. આ લાઈનના ટાવર પરનો જીવંત તાર તૂટી જતાં વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. તદ્‌ઉપરાંત વિસ્તારમાં ૧૦થી વધુ મકાનોનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જાે કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ બનાવને પગલે વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક દોડી ગયા હતા અને વીજ સપ્લાય બંધ કરી દીધો હતો. જાે કે, આ બનાવનું પ્રાથમિક તારણ સમડી વાયરનો તૂટકો ચાંચમાં લઈને જતી વેળાએ વાયરનો તૂટકો હાઈટેન્શન લાઈનના વાયર સાથે ઘર્ષણ થતાં લાઈનનો તાર તૂટી ગયો હોવાનું કારણ જાણવા મળેલ છે.

આ બનાવની વિગત મુજબ શહેરના ગોત્રી, ગદાપુરાથી ઈસ્કોન મંદિર તરફ જવાના માર્ગ ઉપર હાઈટેન્શન લાઈનના ટાવર આવેલ છે. આ ઊંચા ટાવર પર સમડી માળો બનાવી રહી હતી, તેના માટે સમડી તેની ચાંચમાં ક્યાંકથી ઈલેકટ્રીક વાયરનો લબડતો તૂટકો લઈને હાઈટેન્શન લાઈનના ટાવર ઉપર આવી હતી અને બેઠી બેઠી માળો બનાવતી વેળાએ ઈલેકટ્રીક વાયરનો તૂટકો હાઈટેન્શન લાઈનને અડી જતાં ઘર્ષણ થયું હતું, જેના કારણે ઈલેકટ્રીક સ્પાર્કના મોટા ધડાકા સાથે જીવંત તાર તૂટી જતાં રોડ પર પડયો હતો. જાે કે, આ ઘટના સમયે કોઈ વાહન કે રાહદારી પસાર ન થતાં મોટી જાનહાનિ થતાં ટળી હતી.

હાઈટેન્શનની લાઈનમાં મોટો ધડાકો થતાંની સાથે જ સ્થાનિક સોસાયટીના રહીશો બહાર નીકળી આવ્યા હતા અને તેમના ઘરોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ બનાવની જાણ સ્થાનિકોએ વીજ કંપનીને કરવામાં આવતાં જેટકોનો ટેકનિકલ સ્ટાફ બનાવસ્થળે દોડી આવ્યો હતો અને વીજ પુરવઠો બંધ કરી રોડ પર પડેલા તૂટેલા તારની મરામત હાથ ધરી હતી. વીજ કંપનીનો સ્ટાફ આવી પહોંચતાં સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution