વડોદરા : વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા મહાનગર પાલિકાની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીઓને લઈને પ્રજાના પ્રશ્નોને માટે હેલો વડોદરા કેમ્પેઇનનું દાંડિયાબજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશના નિરીક્ષકોએ છેલ્લા ૨૫-૨૫ વર્ષથી એકધારી સત્તાને લઈને છાકટા બનેલા અને પ્રજા પ્રત્યે દુર્લક્ષ સેવીને માત્રને માત્ર કૌભાંડો પ્રત્યે જ લક્ષ આપનાર ભાજપના શાસકો અને ભાજપ શાસિત રાજ્ય સરકારની સરમુખત્યારશાહી સામે આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ એવો ધ્રુજારો વ્યક્ત કર્યો હતો કે, આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસની સત્તા આવશે તો ભાજપના શાસકો દ્વારા સ્માર્ટ સિટીના નામે આચરવામાં આવેલા તમામ કૌભાંડોને ઉજાગર કરીને એના માટે જવાબદાર પાલિકાના અધિકારીઓ, જે તે સમયના શાસકોના જવાબદાર નેતાઓ અને ઇજારદાર સહિતના તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરીને તેઓને જેલ ભેગા કરવામાં આવશે. તેમજ કોંગ્રેસ ભય અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે એવી ખાતરી ઉચ્ચારી હતી. આ પ્રસંગે વડોદરા મહાનગર પાલિકાની આવનારી ચૂંટણી માટે હેલો વડોદરા કેમ્પેનનું લોન્ચિંગ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, વડોદરાના પ્રભારી ઇન્દ્રવીજયસિંહ ગોહિલ, વિજ્ઞાત્રીબેન પટેલ, પાલિકાના માજી વિરોધપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવી હતી. વડોદરા પાલિકામાં છેલ્લા ૨૫ વર્ષના ભાજપના શાશનમાં પ્રજા પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી છે તેને ઉજાગર કરવા આ કેમ્પેન લોન્ચ કરવામાં આવી હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં માત્ર વડોદરા જ નહિ પરંતુ છએ છ મહાનગર પાલિકાઓમાં ભાજપના શાસકો દ્વારા સ્માર્ટ સિટીના નામે આચરવામાં આવેલા તમામ કૌભાંડોને ઉજાગર કરીને એના જવાબદારોને દાખલારૂપ સજા આપવાને માટે કોંગ્રેસ કામ કરશે એમ જણાવ્યું હતું. ભાજપના શાસનમાં સામાન્ય માનવીઓની કોડીની પણ કિંમત રહી નથી. જેઓના મતે ભાજપીયાઓ સત્તા પર આવ્યા એ પછી પોતાના જ મતદારોને ભૂલી ગયા અને હડધૂત કરવા લાગ્યા છે. આજે ભાજપના ભ્રષ્ટાચારોને ઉજાગર કરવાને માટે આરટીઆઈ હેઠળ માહિતી માગવામાં આવે તો એ પણ અપાતી નથી. અધિકારીઓએ પણ ભાજપના રાજમાં નીચેથી લઈને ઉપર સુધીના તમામ અધિકારીઓને પારેવાની માફક ફફડવું પડે છે. ધાક ધમકી અને લુખ્ખાઈથી ભાજપ અધિકારીઓ પર દબાણ બનાવીને રાખતું હોવાનો આક્ષેપ પણ કોંગી નેતાઓએ કર્યો હતો. તેઓએ આ ભયમાંથી સૌને મુક્ત કરવાને માટે પ્રજાનું અનુભવી શકાય એવું શાસન કોંગ્રેસ સિવાય કોઈ આપી શકે એમ નથી એમ ઉમેર્યું હતું.
Loading ...