આણંદ, તા.૩૧ 

આંકલાવ મામલતદાર કચેરીમાં મામલતદાર દ્વારા શહેરના આગેવાનોને બોલાવવામાં આવ્યાં હતાં. નજીકમાં આવતાં બકરી ઇદ અને ગણેશ ચતુર્થી જેવાં તહેવારોને કોરોના વાઇરસ જેવી મહામારીમાં કેવી રીતે ઉજવવા તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે બકરી ઇદની નમાઝ દરેક વ્યક્તિએ પોતાના ઘરે પઢવી, મસ્જિદમા જવું નહીં. આ ઉત્સવ દરમિયાન કોઈએ ભીડ ન કરવી. તેમજ ગણેશ ચતુર્થીના તહેવાર ઉજવવા માટે હવે ગણેશ મંડળો જાહેરમાં ગણેશજીની સ્થાપના કરી શકશે નહીં. સરકારના નિયમોનું પાલન કરીને આવા તહેવારો ઉજવવા માટે સૂચના આપી હતી.

કારોના વાઇરસના કારણે આખા દેશમાં લોકોની જીવન જીવવાની પદ્ધતિમાં ઘણો ફેરફાર આવ્યો છે. તેવી જ રીતે તહેવારોમાં પણ હવે ફેરફાર દેખાઇ રહ્યો છે. આપણે ત્યાં હવે ટૂંક સમયમાં બકરી ઇદ અને ગણેશ મહોત્સવ જેવા તહેવારો આવી રહ્યાં છે. ત્યારે આવા તહેવારોમાં આપણે કઈ રીતે તકેદારી રાખીને કોરોના વાઇરસને ફેલાતો રોકી શકાય તે માટે સરકારે કેટલાક નિયમો બહાર પાડ્યાં છે. આ નિયમોનું પાલન કરીને આપણે આ તહેવારો ઉજવશું તો કોરોના વાઇરસ જેવી મહામારીને કાબૂ કરી શકાય તેમ છે. જેને લઈને મામલતદારે આજે આંકલાવ શહેરના આગેવાનોની મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં આંકલાવના મોલેસલામ ગરાસિયા સમાજના પ્રમુખ અનવરભાઈ રાજ, વાટા વિસ્તારમાં આવેલી મસ્જિદોના મૌલવીઓ અને આંકલાવ શહેરમાં ગણેશ ઉત્સવ ઉજવતા મંડળોના આગેવાનોને ઉપસ્થિત રહ્યાં હતાં.

શું-શું સૂચનો કરવામાં આવ્યાં?

કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે બકરી ઇદની નમાઝ દરેક વ્યક્તિએ પોતાના ઘરે પઢવી, મસ્જિદમા જવું નહીં. આ ઉત્સવ દરમિયાન કોઈએ ભીડ ન કરવી. તેમજ ગણેશ ચતુર્થીના તહેવાર ઉજવવા માટે હવે ગણેશ મંડળો જાહેરમાં ગણેશજીની સ્થાપના કરી શકશે નહીં. પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરી તેનો ઉત્સવ ઉજવશે. વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારના સરઘસ કાઢવામાં આવશે નહીં. ઘરમાં ગણેશજીની મૂર્તિને વિસર્જન કરવામાં આવશે.

આગેવાનોએ સૂચનોના અમલની જવાબદારી લીધી

આ બાબતની આંકલાવ મામલતદાર દ્વારા તમામ આગેવાનોને વિસ્તૃત જાણકારી અને માહિતી આપવામાં આવી હતી. સામે પક્ષે આંકલાવ શહેરના તમામ આગેવાનોએ આ સૂચનાઓનો અમલ કરવા માટે બાયધરી આપી છે. સરકાર અને આંકલાવ તંત્રને પૂરેપૂરો સહકાર આપવા માટે જણાવ્યું છે.