વડોદરા, તા.૨૭ 

જૂન મહિનો પૂરો થવા આવ્યો છે પરંતુ હજુ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી નથી. જા કે, ગત વર્ષની સરખામણીમાં અત્યાર સુધી મોસમના સરેરાશ વરસાદની સામે ૬ ટકા વરસાદ વધુ થયો છે. આજે પણ આંશિક વાદળિયા માહોલ વચ્ચે ઉકળાટથી લોકો પરેશાન રહ્યા હતા.

વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫મી જૂનથી મેઘરાજાની એન્ટ્રી થતી હોય છે પરંતુ આ વર્ષે નિસર્ગ વાવાઝોડાની અસર હેઠળ વહેલો છૂટોછવાયો વરસાદ થયા બાદ છેલ્લાં કેટલાંક દિવસથી વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદે વિરામ પાળ્યો છે. પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં વડોદરામાં સરેરાશ વરસાદની સામે ૬ ટકા વરસાદ વધુ થયો છે. ગત વર્ષે વડોદરામાં સરેરાશ ૮૬૮ મિ.મી. વરસાદ સામે ૩૪ ટકા એટલે કે ૩.૯૧ ટકા, જ્યારે આ વર્ષે અત્યાર સુધી ૯૧ મિ.મી. એટલે કે ૧૦.૩૮ ટકા વરસાદ થયો છે. જેમાં સર્વાધિક ૧પ ટકાથી વધુ વરસાદ કરજણ, પાદરા અને વાઘોડિયા તાલુકામાં થયો છે.

વરસાદના વિરામ વચ્ચે આજે પણ આંશિક વાદળિયા વાતાવરણમાં ઉકળાટથી લોકો ત્રાહિમામ્‌ પોકારી ગયા હતા. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ર૮.ર ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા જે સાંજે પપ ટકા અને હવાનું દબાણ ૧૦૦૦.૧ મિલિબાર્સ અને દક્ષિણ અને પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૧૩ કિ.મી. નોંધાઈ હતી. જા કે, આગામી ત્રણ-ચાર દિવસમાં મેઘરાજા જમાવટ કરે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.