રાજકોટ,તા.૨૬

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અંગદાનને લઈને લોકો જાગૃત થઈ રહ્યા છે. સમયાંતરે અંગદાનના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક અંગદાન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં મોરબી ખાતે રહેતા ૫૨ વર્ષીય હસમુખભાઈ રામજીભાઈ પરેચા સવારે ૯ વાગ્યે ચાલવા ગયા હતા. ત્યાંથી પરત ફરતા અચાનક જ તેમની તબિયત બગડી જતા મોરબીની લાઇફલાઇન હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા.હસમુખભાઈનું સંપૂર્ણ ચેકઅપ કર્યા બાદ ડૉ. કલ્પેશ સનારિયા સાહેબે બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. ખૂબ સેવાભાવી અને સરળ સ્વભાવના હસમુખભાઈએ જીવનમાં ઘણાં સેવાકાર્યો કર્યાં હતાં. તેમનું બ્રેઈન ડેડ થતાંની સાથે જ ડોક્ટર્સની ટીમે પરિવારને અંગદાન માટે સમજાવ્યા હતા.આ કપરા સમયમાં પરેચા પરિવારના મોભી તથા હસમુખભાઈના મોટાભાઈ પ્રભુભાઈએ અંગદાન માટે અનુમતી આપી હતી. સાથે પરિવારના તમામ સભ્યોમાં સહમતી આપી હતી. જેને લઈ હસમુખભાઈની બે કિડની, લિવર, સ્કિન તથા બે આંખોનું દાન કરી ૬ લોકોને નવજીવન આપવાનો ર્નિણય લેવાયો હતો. આ સાથે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્વરિત ગ્રીન કોરિડોર બનાવીને અંગોને અમદાવાદ ઝડપથી મોકલવામાં આવ્યાં હતાં. રાજકોટમાંથી ૧૦૯મું અંગદાન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.