રાજકોટ રાજકોટના રાજવી પરિવારની મિલકતને લઈ ભાઈ અને બહેન વચ્ચે ચાલતી તકરારમાં રાજકુમારી અંબાલિકા દેવીએ રાજવી માંધાતાસિંહને વધુ એક કાનૂની પડકાર આપ્યો છે. રાજકુમારીએ ભાઈને રાજવી પરિવારની મિલકતો વેચતા રોકવા રાજકોટની સિવિલ કોર્ટ સમક્ષ ધા નાખી સ્ટે માગ્યો છે. આ અંગે વધુ સુનાવણી ૨૬ ઓગસ્ટના રોજ કોર્ટમાં હાથ ધરાશે. આ તકરારની વિગત મુજબ રાજવી પરિવારની મિલકતના વિવાદમાં નવો ફણગો ફૂટ્યો છે. રાજકુમારી અંબાલિકાદેવી કે જેઓ સ્વ.મનોહરસિંહજી જાડેજાના દીકરી છે. તેમણે મિલકતમાં પાંચમો ભાગ માગ્યો છે. તેમણે રાજકોટના પ્રિન્સિપાલ સિવિલ જજની કોર્ટમાં રાજવી પરિવારની વારસાઇ મિલકતોના વેચાણ અંગે કામ ચલાઉ મનાઈ હુકમ મેળવવા દાવો કર્યો છે. આ દાવો તેમણે તેમના ભાઈ અને રાજકોટના રાજવી માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા સહિતના વિરૂદ્ધમાં કર્યો છે. દાવામાં જણાવાયા મુજબ મિલકત તકરારનો અંત થયો નથી તે પૂર્વે જ એક મિલકત વેચી પણ નાખવામાં આવી છે.આથી બહેને કેસના નિકાલ સુધી સ્ટે આપવા દાદ માગી છે. લગ્ન બાદ ઝાંસી ખાતે રહેતા અંબાલિકા દેવી પુષ્પેન્દ્રસિંહે કોર્ટમાં કરેલા દાવા ઉપરાંત પ્રાંત અધિકારી (સિટી-૨)ના હુકમ સામે માંધાતાસિંહે કલેક્ટર સમક્ષ અપીલ કરી છે. જ્યારે અંબાલિકાદેવીએ સિટી સર્વે કચેરીના હુકમ સામે અપીલ કરી છે અને કોર્ટમાં પણ મામલો પહોંચ્યો છે. ત્યારે રાજવી પરિવારની મિલકત અંગે વિવિધ સ્તરે કેસો ચાલી રહ્યા છે. રાજવી મનોહરસિંહજીના દેહાંત બાદ તેમનું ૬/૭/૨૦૧૩નું વિલ સામે આવ્યું હતું. જાેકે આ વિલ બંધનકર્તા ન હોવાનું અને માંધાતાસિંહની તરફેણવાળુ તા.૬/૬/૨૦૧૯નું રિલીઝ ડીડ રદ બાતલ ઠરાવવાનું ડીક્લેરેશન કરી આપવા અંગેનો દાવો ચાલી રહ્યો છે. આ મિલકત વેચાણ કરતી રોકવા સ્ટે આપવા અરજી કરાઈ છે. ગઈકાલે અંબાલિકાદેવી તરફે રોકાયેલા રાજકોટના એડવોકેટ કેતન સિંઘવાએ દલીલો રજૂ કરી હતી. જેમાં મુખ્ય દલીલો મુજબ આઝાદી પહેલાના રાજકોટના છેલ્લા રાજવી પ્રદ્યુમનસિંહજી એટલે કે માંધાતાસિંહ અને અંબાલિકાદેવીના દાદાને તેમના પિતા સર લાખાજીરાજ પાસેથી મળેલી મિલકતો રાજવી પરિવારની ખાનગી મિલકત હતી, સ્વતંત્ર મિલકત નહોતી. ૧૯૪૯માં ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને ૨૬માં સુધારા ૨૮/૧૨/૧૯૭૧તી રજવાડાઓને મળતી સવલતો રદ થઈ, ૯/૧૧/૧૯૭૩ના રોજ પ્રદ્યુમનસિંહજીનું અવસાન થયું ત્યારે બંધારણીય સુધારો અમલી હતો.જેથી તેમના કહેવાતા વિલની રૂએ મનોહરસિંહજીના દાવાવાળી મિલકતના તે સ્વતંત્ર માલિક નથી બનતા. કેમ કે, પ્રદ્યુમનસિંહજીને પણ મિલકતો તેમના પિતા એટલે કે સર લાખાજીરાજ પાસેથી મળી હતી.