વડોદરામાં દિવાળી પૂર્વે મીઠાઇ ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યુ
30, ઓક્ટોબર 2021 198   |  

વડોદરા-

દિવાળી આવતાં જ હવે વડોદરામાં કોર્પોરેશનની આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ શહેરભરમાં ફરી વળી છે. મીઠાઈના પેકેટ ઉપર અને છૂટક મીઠાઈના વેચાણ વખતે બેસ્ટ બીફોર ડેટ અને ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફરજિયાત દર્શાવવાની હોવા છતાં તેનું અનેક જગ્યાએ પાલન નથી થતું. જો કે ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નોટિફિકેશન આધારે વડોદરામાં મીઠાઈની દુકાનોમાં ચેકિંગ શરૂ કરાયું છે. ત્રણ દિવસ અગાઉ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં 17 દુકાનોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. અધિકારીઓને એક દુકાનમાંથી ફૂગવાળી મીઠાઈ મળી આવતાં તેનો નાશ કર્યો છે

ફૂડ સેફટી ઓફિસરોની બે ટીમ દ્વારા શહેરના ખંડેરાવ માર્કેટ, દાંડિયા બજાર, રાવપુરા અને કારેલીબાગ વિસ્તારની 21 દુકાનમાં ચેકિંગ કર્યું હતું અને સ્વચ્છતા અંગે બે વેપારીઓને નોટિસ આપી હતી. અધિકારીઓનું કહેવું છે કે તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન વિવિધ મીઠાઇઓ, ફરસાણ અને મુખવાસના નમૂના લઈ પૃથ્થકરણ માટે કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જોકે, તેના રિપોર્ટ દિવાળીના તહેવારો પછી આવશે ત્યાં સુધીમાં તો શહેરીજનોએ મીઠાઇ અને ફરસાણ ખાઇ પણ લીધા હશે. ત્યારે સવાલ એ જ થાય કે આ પ્રકારે નમૂના ફેલ ગયા પછી પણ નક્કર કાર્યવાહીના અભાવે લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં જ રહે છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution