પશ્ચિમ બંગાળ

કોરોના વાયરસના વધતા જતા કેસ છતાં, પશ્ચિમ બંગાળમાં  ગુરુવારે મતદાનના આઠમા તબક્કાની ચૂંટણી યોજાઈ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોરોનાથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારનુ મોત થયુ છે. ઉમેદવારના નિધન બાદ તેમની પત્નીએ ચૂંટણી પંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત 25 એપ્રિલે ટીએમસી ઉમેદવાર કાજલ સિંહાનું કોરોના વાયરસને કારણે પશ્ચિમ બંગાળના ખારદાહ ખાતે અવસાન થયું હતું.

પતિના મોત પર ગુસ્સો વ્યક્ત કરતાં તેમની પત્ની નંદિતા સિંહાએ ચૂંટણી પંચ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. નંદિતા સિંહાએ નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જૈન સહિત ઘણા અધિકારીઓ વિરુદ્ધ બેદરકારી અને લાપરવાહી દાખવી હોવાનો આક્ષેપ કર્યો છે, જેના પગલે તેમના પતિ સહિત અન્ય બીજા ઉમેદવારોના પણ મોત થયા છે.

નંદિતા સિંહાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યુ છે કે જ્યારે આખો દેશ કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે લડતો હતો, ત્યારે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં 27 માર્ચથી 29 એપ્રિલ સુધી યોજાનારી ચૂંટણીનો કાર્યક્રમ યથાવત રાખી ચૂંટણી તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજવાનું નક્કી કર્યું હતું. નંદિતા સિંહાએ વધુમાં ફરિયાદમાં લખ્યું છે કે તામિલનાડુ, કેરળ, પુડુચેરીમાં એક દિવસમાં મતદાન કરવામાં આવ્યું હતું અને આસામમાં તે ત્રણ તબક્કામાં યોજાયું હતું.

પોતાની ફરિયાદમાં મૃતક ઉમેદવારના પત્નિ નંદિતા સિંહાએ લખ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસે 16 એપ્રિલ અને 20 એપ્રિલે ચૂંટણી પંચને બે વાર ભલામણ કરી હતી કે બાકીના તબક્કાની ચૂંટણી એક જ તબક્કામાં પૂરી કરી દેવામાં આવે. પરંતુ ચૂંટણી પંચે રજુઆતને ધ્યાને ના લીધુ કે વાત પણ ના સાંભળી અને પોતાના બચાવમાં એવો આદેશ આપ્યો કે સાંજે સાત વાગ્યા પછી કોઈ રેલી ન યોજાય.

નંદિતા સિંહાએ લખ્યું કે કોલકત્તા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી ચેતવણી છતાં ચૂંટણી પંચે કોરોનાના વધતા જતા સંક્રમણ અંગેના તમામ પુરાવાઓને અવગણ્યા, જેના કારણે જ પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધ્યા અને સ્થિતિ કાબુ બહાર ગઈ.

સોમવારે (26 એપ્રિલ), મદ્રાસ હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ચૂંટણી પંચના અધિકારીઓની અવગણના અને અવગણનાને કારણે જ કોરોનાના કેસ એટલા વધી ગયા છે. શું તેમની સામે હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ? એક નિવેદનમાં ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી પંચની નહીં પણ રાજ્ય સરકારની જવાબદારી છે કે જે તે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.