ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર નેતા નરેશ પટેલના રાજકારણમાં જાેડાવવા અંગેના મુદ્દાએ ફરીથી જાેર પકડ્યું છે. ત્યારે દિલ્હીથી પરત આવેલા ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલે રાજકારણમાં જાેડાવવા અંગે વધુ એક મુદ્દત નાખી છે. આગામી તા. ૧૫ મી મે સુધીમાં ર્નિણય કરીશ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પાટીદાર નેતા અને ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલને પક્ષમાં જાેડીને આગામી ચૂંટણીમાં પાટીદાર મતોને અંકે કરવા માટેનું સમીકરણ રચવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરને કોંગ્રેસ પક્ષમાં જાેડવાની સાથોસાથ નરેશ પટેલને પક્ષમાં જાેડવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે આજે દિલ્હી ખાતેથી પરત આવેલા નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, હું એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. જાે કે, દિલ્હીમાં હું કોઈ નેતાને અંગત રીતે મળ્યો નથી. એક લગ્નમાં હાજરી આપવા ગયો હતો. જાે કે આ લગ્ન પ્રસંગે અનેક નેતાઓને હું મળ્યો છું. હું ક્યાં નેતાઓને મળ્યો છું, તે અંગે હાલમાં હું કોઈ સ્પષ્ટતા કરવા માંગતો નથી. ગુજરાત સ્થાપના દિવસે કોંગ્રેસમાં જાેડાઈ રહ્યા છો તેવા સવાલના પ્રત્યુત્તરમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, હાલમાં આવી કોઈ વાત નથી. રાજકીય રીતે બહાર જતો હોવાથી ઔપચારિક રીતે નેતાઓને મળ્યો છું. નરેશ પટેલે ફક્ત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હોય તેવું નથી. છેલ્લા એકાદ મહિનામાં નરેશ પટેલ ભાજપ, આમ આદમી પાર્ટી તેમજ વિવિધ સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે.

હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપની કેસરી ટોપી પહેરે તેવી ચર્ચા

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યના રાજકારણમાં નવાજૂની થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. હાર્દિક પટેલે તાજેતરમાં કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરીને ભાજપની નેતાગીરીની પ્રશસ્તિ કરી કરી હતી તેની સાથોસાથ પોતાને ચુસ્ત હિન્દુ નેતા કહ્યો હતો, જેના કારણે ભાજપ અને હાર્દિક વચ્ચેનું અંતર ઘટી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આગામી ટૂંક સમયમાં ભાજપ સાથે જાેડાય તેવી અટકળો ચાલી રહી છે. પાટીદાર અનામત આંદોલનથી એક લડાયક યુવા નેતા તરીકે પ્રસ્થાપિત કરનાર હાર્દિક પટેલ કોંગ્રેસમાં જાેડાઈ પ્રદેશના કાર્યકારી પ્રમુખ બની ગયો છે. હવે હાર્દિક પટેલ કોંગ્રેસની નેતાગીરીની નીતિરીતિથી કંટાળી ગયો છે. જેથી હાર્દિકે તાજેતરમાં કોંગ્રેસની નેતાગીરી સામે પોતાની નારાજગી જાહેર કરી હતી. ત્યાર બાદ હાર્દિક દ્વારા ભાજપની નેતાગીરીના વખાણ કર્યા હતા, સાથોસાથ પોતાને ચુસ્ત હિન્દુ નેતા ગણાવ્યો હતો. આ પછી હાર્દિક અને ભાજપ વચ્ચેનું અંતર ઘટી રહ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. આ દરમિયાનમાં આગામી તા. ૨૮ એપ્રિલના રોજ હાર્દિકના પિતાની પુણ્યતિથિ છે. તે નિમિત્તે હાર્દિક પટેલ દ્વારા વિરમગામ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે ભાજપના નેતાઓને આમંત્રણ અપાયું છે. હાર્દિકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. એટલું જ નહીં, આ કાર્યક્રમના આમંત્રણના પગલે ભાજપના સિનિયર નેતાઓ અને આગેવાનો તેમાં હાજરી આપી શકે છે.