નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ 2.8 કરોડનું વીજ ઉત્પાદન
08, જુન 2021

નર્મદા-

નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી તા.૨જી જૂન, ૨૦૨૧ના રોજ સવારે ૮=૦૦ કલાકે ૧૨૩.૦૧ મીટર નોંધાયેલી હતી. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૫,૪૬૩ મિલિયન ક્યુબિક મીટર નોંધાઇ છે. હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને લીધે જળ સપાટીમાં આશરે ૨૦ થી ૨૫ સે.મી. નો ઘટાડો નોંધાઇ રહ્યો છે.

સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૫ મીટરે હતી. હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ સરેરાશ ૭૮ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂ.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦ કરોડ યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૨ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના હાલ ૩ જેટલા યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દરરોજ સરેરાશ રૂ.૫૦ લાખની કિંમતનુ ૨૫ લાખ યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૧૫,૫૦૦ ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution