નવસારીઃ 2 દસકા બાાદ યોજાઈ ગણદેવી સુગર ફેક્ટરીના વ્યાસ્થાપક મંડળની ચૂંટણી, 76% થયું મતદાન
23, નવેમ્બર 2020

નવસારી-

ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાં ખેડૂતોને શેરડીના સૌથી વધુ ભાવો આપનારી ગણદેવી સુગર ફેક્ટરીમાં ગત્ત બે દાયકા દરમિયાન ફેક્ટરીના સભાસદોની સુઝબુઝથી ચૂંટણી ટળતી આવી હતી અને સુગર ફેક્ટરીના વ્યવસ્થાપન મંડળના સભ્યોની નિર્વિરોધ સર્વસંમતિથી વરણી થતી હતી, પરંતુ સમયનું ચક્ર બદલાતા ગણદેવી સુગર ફેક્ટરીના યુવા ખેડૂત સભાસદો પણ ફેક્ટરીના વિકાસમાં પોતાનું યોગદાન આપવાની મહેચ્છા રાખતા 20 વર્ષો બાદ ફેક્ટરીના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ફેક્ટરીના 7490 સભાસદોમાંથી 3099 સભાસદો મતદાન માટે માન્ય ઠર્યા હતા. જેમણે સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધીમાં ફેક્ટરીના વ્યવસ્થાપક મંડળના 16 સભ્યો માટે 18 મતદાન મથકો પર કોરોનાની ગાઈડ લાઈનનું ધ્યાન રાખી 33 ઉમેદવારો માટે મતદાન કરીને આગામી પ્રમુખ અને તેમની ટીમનું ભાવી સીલ કર્યું હતું. જુના સામે નવા વચ્ચેના ચૂંટણી જંગમાં સાંજ સુધીમાં 76 ટકા મતદાન નોંધાયું હતું અને મતપેટીઓને ગણદેવી ખાતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યો હતો.

આ ચૂંટણીનું પરિણામ ગુજરાત હાઇકોર્ટના સ્ટેના કારણે જાહેર થઇ શક્યું નથી, જેથી હાઇકોર્ટના ચુકાદા બાદ જ કઇ પેનલ ઉપર મતદારોએ વિશ્વાસ મુક્યો છે એ જાહેર થશે. દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓમાં ચૂંટણીના માહોલ વચ્ચે બદલાયેલા નિયમો સામે કેટલાક સભાસદોએ વાંધો ઉઠાવ્યો હતો. જેમાં ઝોન બહાર પણ મતદારોને રીઝવવા, 5 વર્ષ સુધીમાં ફેક્ટરીમાં શેરડી ન આપી હોય જેવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી, જેને લઇને હાઇકોર્ટે ચૂંટણી યોજવાની મંજૂરી આપી હતી, પરંતુ પરિણામ પર સ્ટે આપ્યો હતો. જેથી હાઇકોર્ટના ચુકાદા બાદ દક્ષિણ ગુજરાતની વિવિધ ફેક્ટરીઓમાં યોજાયેલી ચૂંટણીઓનું પરિણામ જાહેર થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution