વડોદરા : શહેર નજીક ફાજલપુર ગામે ગત રાત્રિના સમયે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહનની અડફેટે નીલ ગાય આવી જતાં ઈજાગ્રસ્ત થઈ હતી, જેની જાણ થતાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકારી સંરક્ષણ બ્યૂરોના અગ્રણી તરત જ દોડી ગયા હતા અને વન વિભાગના કર્મચારીઓ પણ સ્થળ પર દોડી જઈ થ્રી વ્હીલર ટેમ્પોમાં ઈજાગ્રસ્ત નીલ ગાયને સારવાર અર્થે ખસેડી હતી. 

ફાજલપુર મહીસાગર નદીકિનારાથી ગોચરની જમીનોમાંથી માટી ખોદીને ઊંડા ખાડા કરવામાં આવ્યા છે જેના પગલે જંગલી પશુઓને રહેવું મુશ્કેલ બન્યું છે. જેથી અનેક વખત નીલ ગાય જેવા પશુઓ રોડ પર આવી જાય છે અને રોડ ક્રોસ કરતી હોય છે. ગત રાત્રે ફાજલપુર પાસે રોડ ક્રોસ કરી રહેલી નીલ ગાય અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં ઈજાગ્રસ્ત બની બિનવારસી હાલતમાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. આ અંગેની જાણ સ્થાનિક રહીશોએ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યૂરોના દીપકસિંહ વિપપુરાને કરતાં તરત જ સ્થળ પર દોડી આવી વન વિભાગને આ અંગેની જાણ કરી હતી અને ભાડાનો ટેમ્પો કરી ઈજાગ્રસ્ત થયેલી નીલ ગાયને સારવાર અર્થે ખસેડી હતી.