ભરૂચ : ગુજરાત શાહ કે મોદીનું નથી, ગુજરાત ગાંધીનું છે, ગાંધીના ગુજરાતથી પહેચાન છે. નરેન્દ્ર મોદી કે અમિત શાહ ગાંધી થી મોટા નથી અને ક્યારેય બની શકે નહીં, હું ભારતનો બાઈજ્જત બાશીન્દો (નાગરિક) મને કોઈ પણ ખૂણામાં જઇ શકુ, સંવિધાને આપેલા હક્ક અને વચિતોના વિકાસ માટે ગુજરાત આવ્યો હોવાનું એઆઇએમઆઇએમ વડા અસુદ્દીન ઓવૈસી એ ભરૂચમાં મહાસભાને સંબોધતા જણાવ્યું હતું. મોદી-શાહના ગુજરાતમાં તમે કેમ આવ્યા તે અંગે મંચ પરથી જવાબ આપતા ઓવૈસી એ જણાવ્યું હતું કે, ગુજરાત ભારતનો હિસ્સો છે. હું ભારતનો નાગરિક છું અને મને સંવિધાને હક્ક આપ્યો છે દેશના કોઈપણ ખૂણા માં જવા અને ચૂંટણી લડવા. ગુજરાત મોદી-શાહનું છે તે ખોટું છે. ગુજરાત ગાંધીનું છે અને ગાંધી થી મોટા ક્યારેય અમિત શાહ કે નરેન્દ્ર મોદી હતા નહિ અને બની શકે નહીં.ગુજરાત છોટુ ભાઈ વસાવાનું છે, આદિવાસીઓનું, મુસ્લિમોનું, વંચિતો, દલિતો, ગરીબો, ઓબીસી અને તમામ પ્રજાનું છે. વર્ષોથી ગુજરાતમાં મામા-ભાણેજ કોંગ્રેસ-ભાજપની પાર્ટી જેવો એ લોકોને ગુલામ બનાવી ને રાખ્યા છે. કોંગ્રેસ-બીજેપી એકબીજાની પીઠ ખંજવાળતી બી ટીમ છે. કોંગ્રેસ-ભાજપ કદી એકબીજાથી અલગ નહિ થાય તેમ ઓવૈસી એ કહી આ બન્નેના પોલિટિકલ વેક્યુમ-વિકલ્પ તરીકે એઆઇએમઆઇએમ-બીટીપી આવી છે. જે સંવિધાન બચાવવા સાથે આદિવાસીઓ, મુસ્લિમો, દલિતા અને વચિતોને તેઓના હક્ક અપાવશે. એઆઇએમઆઇએમ-બીટીપી ને સત્તાથી ભાજપ-કોંગ્રેસની જેમ મોહબત નથી, એ વાંચીતોના ન્યાય માટે લડવા આવી છે. આજે ગુજરાતમાં ગઠબંધનનો પહેલો કદમ પડ્યો છે ત્યાં તો દુષમન કાપવા માંડ્યા છે. ૭૦ વર્ષમાં જેણે પણ આપણે વોટ આપી મંત્રીઓ બનાવ્યા તેઓ સંત્રીઓ જ નીકળ્યા છે. બિહારમાં મજલીસ ગયું તો બેન્ડ, બાજા પાર્ટી શરૂ થઈ ગઈ હતી કે વોટ કાપશે.

કોર્પોરેટ માટે રાજ ચાલે છે ઃ છોટુ વસાવા

ગુજરાતના મુસ્લિમોને આદિવાસીઓથી શીખવાની નશીહત પણ એઆઇએમઆઇએમ ના ઓવૈસી એ આપી હતી. વર્ષોથી ગુજરાતમાં બીજેપી-આરએસએસનું શાસન હોવા છતાં બીટીપીના છોટુ વસાવાનું આધિપત્ય અકબંધ છે. તેઓ ૭ ટર્મથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે અને સંવિધાન માટે લડી રહ્યા છે. આદિવાસીઓની લડાઈ બીજેપી - કોંગ્રેસ સામે છે જે તેમનો જ મોટો ભાઈ આદિવાસી છોટુ વસાવા લડી શકે અને વર્ષોથી અનેક કેસો, એન્કાઉન્ટરની ધમકી છતાં લડત ચલાવી રહ્યા છે. પુરા ભારતમાં કોઈ બદનામ હોય તો આ દિવાનો ટોપી પહેરેલ અને દાઢી ધારી છે જે તમારા સામે ઉભો છે કહી, સંવિધાન બચાવવા આપણે સત્તામાં આવવું પડશે , જે માટે બીટીપી-એઆઇએમઆઇએમના ગઠબંધનને ચૂંટણીમાં દિલથી વધાવી લેવા ઓવૈસીએ અનુરોધ કર્યો હતો. દેશમાં હાલ નરેન્દ્ર મોદી સરકારનું જે રાજ ચાલે છે તે લોકો માટે નહીં પરંતુ કોર્પોરેટ સેકટર માટે છે. ભારતની બધી જ જમીનો વેચાઈ રહી છે. સંવિધાન અને દેશને બચાવવાની લડાઈમાં સાથ આપવાનો છે. આપણે તૈયાર રહેવાનું છે, કોઈથી ડરવાનું નથી.