રાજપીપળા, નર્મદા જિલ્લામાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલ, સહિત કોવિડની ડેડીકેટેડ રાજપીપળાની ૪ ખાનગી હોસ્પિટલના તમામ બેડ ફૂલ થઈ જતા અમુક દર્દીઓના સારવાર વિના જીવ જાેખમમાં મુકાયા છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલે જાહેર કરેલો હેલ્પ લાઈન નંબર પણ અમુક સમય સુધી સ્વિચ ઓફ રહેતા દર્દીઓના સગા પણ પોતાના વ્યક્તિની તબિયત કેવી છે એ જાણવા તેઓ આમ તેમ ધક્કા ખાતા જાેવા મળી રહ્યા છે.નર્મદા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાને લીધે સ્થિતિ ગંભીર બનતી જાય છે.વાત કરીએ રાજપીપળા કોવિડ હોસ્પિટલની તો ઓક્સિજનની સુવિધા વાળા કુલ ૬૭ બેડ અને વેન્ટિલેટરની સુવિધા વાળા કુલ ૧૦ બેડ હાલમાં પણ ફૂલ છે.અમુક સંખ્યામાં માત્ર સાદા બેડ ખાલી છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા ત્યારે તંત્ર એ સ્વીકારવા જ તૈયાર નથી.ઓક્સિજનની જરૂરિયાત વાળાને ઓક્સિજન મળતો નથી તો વેન્ટિલેટરની જરૂરિયાત વાળાને વેન્ટિલેટર ન મળવાને કારણે જ આ મૃત્યુ આંક વધી રહ્યો છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મોટે ભાગના દર્દીઓનું મૃત્યુ અડધી રાત્રે જ થાય છે એ પણ શંકા ઉપજાવી કાઢે છે.૨૨ મી તારીખે રાત્રે જ એક સાથે ૯ દર્દીઓના કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ પામતા ખળભળાટ મચ્યો છે.એક તરફ મૃત્યુ આંક વધી રહ્યો છે તો બીજી બાજુ રાજપીપળા કોવિડ હોસ્પિટલના ખાડે ગયેલા તંત્રના અધિકારીઓ સબ સલામતના દાવાઓ કરી રહ્યા છે.જાે રાજપીપળામાં ૪ ખાનગી કોવિડ હોસ્પિટલની તાબડતોબ મંજૂરી ન મળી હોત તો અત્યાર સુધીમાં તો લાશોના ઢગલા થઈ ગયા હોત એ વાતને બિલકુલ નકારી શકાય એમ નથી.સરકારે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક તો મોકલી આપી પણ એને ઇન્સ્ટોલ ક્યારે કરાશે અને દર્દીઓને એની સુવિધા ક્યારે મળશે એ જાેવું રહ્યુ.