આહવા ગ્રા.પંચાયતના મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તથી રાજકારણ ગરમાયું
06, જુલાઈ 2020

રાનકુવા, તા.૫ 

આહવા ગ્રામ પંચાયત સતત વિવાદમાં ઘેરાયેલ રહે છે. ગ્રામ પંચાયતના સરપંચ ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસ માં લીધા વગર મનસ્વી અને ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિ કરતા હોવાની રાવ સાથે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઇ હતી.

આહવા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા મનસ્વી રીતે પોતાની માનીતી એજન્સી પાસે બાંકડા, સ્ટ્રીટ લાઇટની ખરીદી કરી ગેરરીતિ આચરવામાં આવી હોવાની જે તે વખતે ફરિયાદો ઉઠવા પામી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહિલા સશક્તિકરણ ઉપર ભાર મૂકી સરકારના વહીવટમાં મહિલાઓ પણ આગળ આવીને પુરુષ સમોવડી બનીને આગળ વધે પરંતુ મોટાભાગની રાજ્યની ગ્રામ પંચાયતો નો વહીવટ મહિલાઓને બદલે તેમના પતિદેવો જ કરતા હોય છે. અગાઉ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જ સરપંચ અને તલાટી વિરુદ્‌ધ વિકાસ કમિશ્નરને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેવા સંજોગોમાં ફરીવાર આહવા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા મહિલા સરપંચ વિરુદ્‌ધ અવિશ્વાસની દરખાસ્ત કરતા ગ્રામ પંચાયતના વહીવટ સામે સવાલો ઉભા થવા પામ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ગ્રામ પંચાયતમાં આ મુદ્દો છવાયેલો રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution