વિરમગામ-

જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓ માટે આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસના તથા પાટીદારોના જાણીતા નેતા હાર્દિક પટેલે પોતાનો મત અહીં આપ્યો હતો. જો કે, અહીં કોંગ્રેસ ઉમેદવાર જ ન હોવાને પગલે તેમણે મત કોને આપ્યો એવો સવાલ જરૂર થાય. આવા સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે, તેમણે જ્યાં મત આપ્યો એ વોર્ડ નંબર 2માં ભાજપ અને અપક્ષની જ પેનલ છે. કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી. 

હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારને મત ન આપી શક્યા તેનો તેમને રંજ છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને વિરમગામના વોર્ડ નંબર 2માં કોઈ ઉમેદવાર ન મળતાં આવી હાલત થઈ હતી. તેમણે કહ્યું હતું કે, અહીં અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત છે તેમજ આવા અપક્ષ ઉમેદવારો ઊભા રાખવા એ વિરમગામમાં વર્ષોની પરંપરા છે. તેમણે લોકોને સંદેશ આપતાં કહ્યું હતું કે, લોકો બહાર આવીને મત આપે. દિવસે દિવસે મતદાનની ટકાવારી ઘટતી જાય છે, એ દુઃખની વાત હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે ગુજરાતીઓને વિનંતી કરી હતી કે, તેઓ સમયસર મત આપીને લોકશાહીને મજબૂત કરે.