ગાંધીનગર-

હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા કહ્યું કે, હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. આગામી 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજ દિન સુધી 35.84 ટકા જ વરસાદ પડ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ 30.98 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 33.93 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 33.55 ટકા વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 35.84 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં હજુ મોસમનો 36 ટકા વરસાદ જે ગત વર્ષ કરતાં સાત ટકા ઓછો છે. અત્યારસુધી સિઝનનો 12 ઈંચ વરસાદ નોંધાયો છે. અનેક જિલ્લામાં ફરી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ તરફથી જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં રાજયમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આવતીકાલ બાદ વરસાદ હજી પણ ઓછો થશે. ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની અસર ઓછી થશે. રાજ્યમાં ભારે વરસાદ આવે એવી કોઈ સિસ્ટમ હાલ અસ્તિત્વમાં નથી. રાજ્યમાં હજીપણ 36 ટકા વરસાદની ઘટ ઓછી છે. ઉત્તર પ્રદેશની દક્ષિણમાં એક લો પ્રેશર છે. જેના કારણે સામાન્ય વરસાદ આવી રહ્યો છે. પરંતુ બે દિવસ બાદ સારો વરસાદ આવશે. 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.