મારી પત્નીને મારો મૃતદેહ આપવો નહીં, લખી પતિએ મોતને વહાલું કર્યું
09, માર્ચ 2021

સુરત-

સુરત શહેરના પાંડેસરા નંદનવન રેલવે ઓવરબ્રિજ નીચે એક અકાઉન્ટન્ટે સુસાઇડ નોટ ખિસ્સામાં લઈ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. મૃતક હેમંત પટેલે પારિવારિક ઝગડાને લઈ આપઘાત કર્યો હોવાની આશંકાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. મારો મૃતદેહ મારી પત્નીને નહીં આપવાનો ઉલ્લેખ કરી બહેનનો મોબાઈલ નંબર લખી જતાં પોલીસ પરિવાર સુધી પહોંચી હતી. એટલું જ નહીં, પણ હેમંતે પર્સ, બાઇક, મોબાઈલ સહિતની તમામ વસ્તુઓ ઘરે છોડી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

અશોક નાગરેકર (મૃતકના બનેવી)એ જણાવ્યું હતું કે હેમંત નવીનચન્દ્ર પટેલ (ઉં.વ. ૩૬, રહે. ડિંડોલી લક્ષ્મી નારાયણ વિભાગ-૧) હીરા ઉદ્યોગમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. સંતાનમાં એક દીકરો અને ૩ વર્ષની દીકરી છે. 'હું આવું છું' કહી સોમવારની રાત્રે ઘરેથી નીકળ્યો હતો. પર્સ, ઘડિયાળ, મોબાઈલ અને બાઇક પણ ઘરે જ છોડીને ગયો હતો. રાત્રે સાડાબાર વાગ્યે પોલીસ સ્ટેશનમાંથી મૃતકની બહેનના મોબાઈલ નંબર પર ફોન આવતાં કંઈ અનહોની થઈ હોવાના સંકેત મળ્યા હતા.

વધુમાં તેણે જણાવ્યું હતું કે દોડીને પોલીસ સ્ટેશન બાદ નંદનવન રેલવે બ્રિજ નીચે જતા હેમંતનો મૃતદેહ બે ભાગમાં કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં બહેનનો નંબર લખેલો હોવાથી પોલીસ પરિવાર સુધી પહોંચી હતી. મારો મૃતદેહ મારી પત્નીને નહીં આપવાનો ઉલ્લેખ કરાયો હતો. હેમંતના લગ્નને ૧૩ વર્ષ થયાં છે. માતા બહેન સાથે રહે છે. હેમંતે પારિવારિક ઝઘડામાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાની આશંકા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution