શેખ બાબુની પત્ની, પુત્ર અને ભાઈને ૧૨મીએ કોર્ટમાં હાજર રહેવા નોટિસ
09, ઓક્ટોબર 2020

વડોદરા : શહેરના ફતેગંજ પોલીસ મથકમાં મોતને ઘાટ ઉતારાયેલા શેખ બાબુના પરિવારના ત્રણ સભ્યોને અત્રેની અદાલતમાં હાજર રહેવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. પૂછપરછ માટે ડિસેમ્બર માસમાં બોલાવાયેલા શેખ બાબુની પોલીસ મથકમાં જ હત્યા કરવા બદલ પીઆઈ, પીએસઆઈ અને પોલીસ જવાનો હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે પરિવારજનોની હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ બાદ અદાલતની કડક સૂચના બાદ વડોદરા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી હતી અને તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ હતી. હાજર થયેલા છ આરોપીઓ પાસેથી સીઆઈડીની પૂછપરછ દરમિયાન મહત્ત્વની હકીકતો બહાર નહીં લાવી શકી હોવાનો આરોપ મૃતક શેખ બાબુના પરિવારજનોએ કર્યો હતો.  

જાે કે, અત્રેની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં આગામી તા.૧૨-૧૦ના રોજ શેખ બાબુની પત્ની આબેદાબેગમ, ભાઈ ઈબ્રાહિમ ખાન અને પુત્ર સલીમ શેખને કોર્ટમાં નિવેદન માટે હાજર રહેવાની નોટિસ આપવામાં આવી છે જેમાં જણાવાયું કે બિનચૂકે આ તારીખે અદાલતમાં ત્રણેય જણાએ હાજર રહી ઘટના અંગેની માહિતી અને કાગળો પુરાવારૂપે રજૂ કરી શકશે. આમ ૧૨મી તારીખ પછી અદાલતમાં મામલો ઝડપથી ચાલશે એમ શેખ પરિવારને આશા બંધાઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution