ન્યૂ દિલ્હી-

ટેલિકોમ વિભાગ (ડીઓટી) એ મંગળવારે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (ટીએસપી) ને ૫ જી ટેક્નોલોજીને ટ્રાયલ કરવાની મંજૂરી આપી હતી. આ ટ્રાયલ છ મહિનાના સમયગાળા માટે હશે. ૫ જી ટેક્નોલોજીની ટ્રાયલની મંજૂરી માટે અરજી કરનાર ટી.એસ.પી.માં ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા, રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ અને એમટીએનએલ શામેલ છે. છ મહિનાની ટ્રાયલમાં સાધનો ખરીદવા અને ઇન્સ્ટોલ કરવા માટે બે મહિનાનો પણ સમાવેશ થાય છે.

ટ્રાયલ માટે ટેલિકોમ કંપનીઓ એરિક્સન, નોકિયા, સેમસંગ અને સી-ડોટ જેવા ટેકનોલોજી પ્રદાતાઓ સાથે જોડાણ ધરાવે છે. જિયો દેશમાં વિકસિત તેની પોતાની તકનીકનો ઉપયોગ કરશે. ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે આ ટ્રાયલ નોન-કમર્શિયલ હશે અને ટેલિકોમ કંપનીઓએ તેને હાલના નેટવર્કથી અલગ રાખવી પડશે.

૫ જી ટેક્નોલોજીના ટ્રાયલ માટે જુદા જુદા બેન્ડમાં પ્રાયોગિક સ્પેક્ટ્રમ આપવામાં આવી રહ્યું છે. આમાં મિડ-બેન્ડ (૩.૨ ગીગાહર્ટ્‌ઝ થી ૩.૬૭ ગીગાહર્ટઝ), મિલિમીટર વેવ બેન્ડ્‌સ (૨૪.૨૫ ગીગાહર્ટ્‌ઝથી ૨૮.૫ ગીગાહર્ટઝ) અને સબ-ગીગાહર્ટઝ બેન્ડ (૭૦૦ ગીગાહર્ટઝ) આ સિવાય ટેલિકોમ કંપનીઓને પણ હાલના સ્પેક્ટ્રમનો ઉપયોગ ટ્રાયલ માટે કરવાની મંજૂરી આપવામાં આવી છે.

દરેક ટેલિકોમ કંપનીએ શહેરો તેમજ ગામોમાં ટ્રાયલ કરવી પડશે જેથી દેશભરમાં ૫ જી ટેક્નોલોજીનો લાભ મેળવી શકાય અને તે ફક્ત શહેરો સુધી મર્યાદિત ન રહે. સરકાર ડેટા ડાઉનલોડની ગતિમાં વધારો, સ્પેક્ટ્રમનો વધુ સારો ઉપયોગ અને ૫ જી તકનીકની રજૂઆત સાથે ઇન્ટરનેટ ઓંફ થિંગ્સ (આઇઓટી) જેવા નવા કન્સેપ્ટ તરફ આગળ વધવાની આશા રાખે છે.

૫ જી ટેક્નોલજીનો ઉપયોગ કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સ્માર્ટ શહેરો, પરિવહન અને ટ્રાફિક વ્યવસ્થાપન જેવા ઘણા ક્ષેત્રોમાં થઈ શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ પહેલાથી જ અમેરિકા અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં થઈ રહ્યો છે.