વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે ખાદ્ય સ્થાનો પર પાડેલા વ્યાપક દરોડાઓમાં ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર જેવી કામગીરી કરી બતાવી મોટું તીર માર્યા જેવો દેખાડો કરવાનો પ્રયાસ કર્યો હતો. દરોડાઓના સ્થળોના માત્ર આંકડાઓ મોટા બતાવીને નજીવા અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. જેને લઈને છ-છ દિવસ સુધી ૬૫ સ્થળે તપાસ કરી માત્ર સાડા ત્રણ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો એ બાબતે ખુદ આરોગ્ય શાખાની કામગીરી સામે શંકાની સોય તકાઈ રહી છે.આ દરોડાઓમાં મોટાને લીલા, નાનાને ફટકા માર્યા હોવાની ફરિયાદોને લઈને આરોગ્ય શાખા વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બની જવા પામી છે. પાલિકાની આરોગ્ય શાખા દ્વારા કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા બાબતે વડોદરાની હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ કેન્ટીન, મિઠાઇ-ફરસાણની દુકાનો, તેમજ ચા-નાસ્તાની લારીઓ, વિગેરેમાં ચેકીંગની કામગીરી કરાઈ હતી.આ ઇન્સ્પેકશનમાં કુલ-૬૫ હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ કેન્ટીન, મિઠાઇ-ફરસાણની દુકાનો, ચા-નાસ્તાની લારીઓ વિગેરેમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા બાબતે ચેકીંગ કરી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ પાંચ ચા-નાસ્તાની લારીઓ અને દુકાનો બંધ કરાવેલ તેમજ સાડા ત્રણ કિલો અખાધ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૬-દિવસથી શહેરનાં રેસકોર્ષ વિસ્તાર, મકરપુરા રોડ, માંજલપુર, આઇનોકસ રોડ, કારેલીબાગ, ગોત્રી, સેવાસી રોડ, વાઘોડીયા રોડ, દાંડીયા બજાર, ટાવર ચાર રસ્તા, સુરસાગર, એસ.એસ.જી. હોસ્પિટલ વિગેરે વિસ્તારમાં આવેલ ૬૫- હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ કેન્ટીન, મિઠાઇ-ફરસાણની દુકાનો, ચા-નાસ્તાની લારીઓ, વિગેરેમાં ચેકીંગ કરાયું હતું. જેમાં ગોત્રીમાં આવેલ શૈલેષ શાહ ચા-પફ સ્ટોલ, પરિક્ષિત શુકલ ચાની લારી, દાઉદભાઇ ગાંધી ડી.આર.ડી. પોઇન્ટને તાત્કાલિક બંધ કરાવેલ તેમજ દાંડીયાબજાર વિસ્તારમાં આવેલ આદેશ છોલે ભટુરે તેમજ ઇન્ડીયન ટીને પણ રજીસ્ટ્રેશન વિના ચલાવતા હોઈ તાત્કાલિક બંધ કરાવેલ છે. આ પેઢીઓમાંથી તુવેર દાળ, બેસન, આટા, હરદળ પાઉડર, મરચુ પાઉડર, રવા, કપાસીયા તેલ વિગેરેના મળી કુલ-૨૪ નમુના લેવામાં આવેલ. તેમજ ૩૮-પેઢીઓને સ્વચ્છતા બાબતે નોટીસ આપી એક કિલો અખાધ ધાણા, ત્રણ કિલો શાકભાજી અને ૫૦૦ગ્રામ બ્રેડ મળી ૪.૫ કિલો અખાધ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.