બનાસકાંઠામાં વધુ એક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અનઅધિકૃત પ્રેક્ટિસ કરતાં ઝડપાયો
07, ડિસેમ્બર 2020

પાલનપુર-

બનાસકાંઠામાં વધુ એક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અનઅધિકૃત પ્રેક્ટિસ કરતાં ઝડપાઈ ગયો છે. છેલ્લા છ મહિનાથી પિતાની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢી ઘરે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતાં આરોગ્ય વિભાગની ટીમે તેને રંગે હાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ છેલ્લા છ મહિનાથી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા સરકારી કર્મચારીઓ પર તવાઈ વરસાવી રહ્યું છે. જેમાં રવિવારે વધુ એક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને આરોગ્ય વિભાગે રંગેહાથ ઝડપી પાડયો છે. ડીસા તાલુકાના લોરવાડા પીએચસી સેન્ટર ખાતે નોકરી કરતાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંજય દલસુખભાઈ જોશી છેલ્લા એક વર્ષ થી ઘરે ગેરકાયદેસર ખાનગી પ્રેક્ટિસ કરતો હતો. તેમજ છેલ્લા છ મહિનાથી તેમના પિતાની તબિયત ખરાબ હોવાનું બહાનું બતાવી રજા પર હતો. જ્યારે તે કાંકરેજ તાલુકાના ઉણ ગામે ગેરકાયદેસર પ્રેક્ટિસ ચલાવી રહ્યો હતો. જે અંગેની માહિતી મળતા જ ડીસાના ડો. કે પી દેલવાડીયા સહિત આરોગ્ય વિભાગની ટીમે ઉણ ગામે દરોડા પાડયા હતાં. જ્યાં પોતાના ઘરમાં સંજય જોષી ખાનગી પ્રેક્ટિસ કરતો ઝડપાઇ ગયો હતો. આરોગ્ય વિભાગની ટીમે તેના ઘરેથી મોટી માત્રામાં દવાઓનો જથ્થો પણ ઝડપી પાડયો છે. તેમજ તેની સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution