વડોદરા,તા.૧૧  

સમગ્ર વિશ્વમાં પેટ્રોકેમિકલ્સ અને રાસાયણિક ઉદ્યોગ ક્ષેત્રે નામના પ્રાપ્ત ભારતની ટોચની કંપનીના વડોદરા સ્થિત પ્લાન્ટમાં એક સાથે ૨૫-૨૫ કર્મચારીઓમાં કોરોનાના લક્ષણો જણાતા કોર્પોરેટ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.આ કંપની દ્વારા એકપણ કર્મચારીને કોરોનાની અસર થાય નહિ એના માટે અનેકવિધ પગલાં લેવામાં આવ્યા હતા.તેમ છતાં કોરોનાના પ્રવેશને રોકી ન શકતા કંપનીના કર્તાહર્તાઓના જીવ તાળવે ચોંટી ગયા છે. તેમજ કર્મચારીઓમાં ભયનું વાતાવરણ ઉભું થતા વ્યાપક અસંતોષ અને ભયની લાગણી વ્યાપી ગઈ છે.બીજી તરફ કંપની ફરજ પરના કામદારોને જેઓને સયાજીગંજની જે હોટલમાં રખાતા હતા..ત્યાંથી કોરોના પ્રસર્યો હોવાની શંકાથી તેઓને શિફ્ટ કરીને અકોટા વિસ્તારની અન્ય મોંઘીદાટ હોટલમાં લઇ જવામાં આવ્યા છે. જેથી કોરોનાના વધતા જતા સંક્રમણને ખાળી શકાય.

કોરોનાના વધતા વ્યાપે જીએસએફસી પછીથી આ બીજા મોટા કોર્પોરેટ ક્ષેત્રની કંપનીને પોતાનું નિશાન બનાવી છે.આ વૈશ્વિક કક્ષાની કંપનીના વડોદરા ખાતેના પ્લાન્ટના કર્મચારીઓને માટે કંપની દ્વારા એવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી કે,પ્રત્યેક કર્મચારીએ પ્લાન્ટમાં છ દિવસ સુધી ફરજ બજાવવાની રહેશે.ત્યારબાદ એને ચાર દિવસની સળંગ રજા આપવામાં આવતી હતી.જો કે એ દરમિયાન હોટલમાં રોકાવવાને બદલે ઘરે જવા દેવામાં આવતા હતા.એ પછીથી ફરજ પર પુનઃ હાજર થવાના આગળના દિવસે જે તે કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ કઢાતો હતો.જે નેગેટિવ આવે તો જ બીજા દિવસે ફરજ પર ચઢાવવામાં આવતા હતા.જે પછીથી ડ્યુટીના દિવસોમાં સ્ટાર હોટલમાં જ કર્મચારીઓને રખાતા હતા.આને માટે કંપની દ્વારા કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.એક અંદાજ મુજબ આ રકમ ૬ થી ૮ કરોડ જેટલી ફાળવાઈ હતી.

આ કંપનીમાં છેલ્લા ૪-૫ દિવસથી રોજના ૨-૪,૨-૪ કોરોના પોઝિટિવના કેસો આવતા હતા.જેની સંખ્યા આજે સાંજ સુધીમાં ૨૫ સુધી પહોંચી જવા પામી છે. અમુક કર્મચારીઓ પોઝિટિવ આવતા કંપનીના મેનેજમેન્ટમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.એની સાથોસાથ કર્મચારીઓમાં પણ ભયની લાગણી પ્રસરી ગઈ છે.એકાએક કેસો આવતા કર્મચારીઓના પુનઃ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.જેમાં પણ પોઝિટિવ કેસો જોવા મળતા હલચલ મચી ગઈ હતી.જેને લઈને તત્કાળ જે કર્મચારીઓને સયાજીગંજની હોટલમાં રખાયા હતા.તેઓને ૪-૫ દિવસથી ત્યાંથી તત્કાળ અકોટાની હોટલમાં સ્થળાંતરિત કરાયા છે.અલબત્ત જ્યારે કંપની દ્વારા કર્મચારીઓને કોરોનાની સ્થિતિ દરમિયાન ફરજ પર આવવાને માટે છ દિવસ ડ્યુટી કરીને કંપનીના ઉતારાના સ્થળે રહેવાની ફરજ અને ચાર દિવસની રજા સામે જે તે સમયે કર્મચારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. પરંતુ નોકરી જવાની બીકે મને કમને કર્મચારીઓ કંપનીની વ્યવસ્થા મુજબ ફરજ બજાવવા તૈયાર થયા હતા.હવે જ્યારે કંપનીના કર્મચારીઓમાં કોરોના પ્રસર્યો છે.ત્યારે આવનાર દિવસોમાં કંપનીનું ઉત્પાદન આને લઈને ઠપ્પ થઇ જાય તો નવાઈ પામવા જેવું રહેશે નહિ એવી ચર્ચા કંપનીના આંતરિક વર્તુળોમાં થતી જોવા મળી રહી છે. જીએસએફસીના કર્મચારીઓની માફક આ કંપનીના કર્મચારીઓમાં પણ મોટા પાયે શરદી,ખાસી,તાવની મોટાપાયે ફરિયાદો જોવા મળી રહી છે.જે લક્ષણો કોરોનાને લાગતા છે.